નવા દિશા-નિર્દેશઃ સ્કૂલો 11-પ્રકારની લાપરવાહી દાખવશે તો કાર્યવાહી

નવી દિલ્હીઃ ગુરુગ્રામની એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાત વર્ષના વિદ્યાર્થીની હત્યાના ચાર વર્ષ પછી શિક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટના આદેશ અને નિષ્ણાતોની સમિતિની ભલામણોને આધારે સ્કૂલ સુરક્ષા અને જવાબદારી માટે દિશા-નિર્દેશ તૈયાર કર્યા છે. આ સપ્તાહે બધાં રાજ્યોને બધી સરકારી અને ખાનગી સ્કૂલોમાં અમલ કરવા માટે નવી સ્કૂલ સુરક્ષા અને સલામતીની ગાઇડલાઇન્સ મોકલી આપવામાં આવી છે, જેમાં 11 કેટેગરીની યાદી બનાવવામાં આવી છે, જેમાં સ્કૂલના વહીવટી તંત્રને 11 લાપરવાહી દાખવવા બદલ જવાબદાર ઠેરવવામાં આવશે.

આ દિશા-નિર્દેશ મુજબ નિયમોનું પાલન નહીં કરવા બદલ ખાનગી સ્કૂલને નવા પ્રવેશની કુલ આવકના પાંચ ટકા અને સ્કૂલની માન્યતા રદ કરવા સુધીનો દંડ લાગી શકે છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, 2009 અને જુવેનાઇલ જસ્ટિસ મોડલ રુલ્સ, 2016ની જોગવાઈઓ હેઠળ સ્કૂલો માટેની ગાઇડલાઇન્સ રાજ્યો દ્વારા જારી કરવામાં આવશે.

સ્કૂલો માટેની આ ગાઇડલાઇન્સની લાપરવાહીની 11 કેટેગરીઓ મુખ્યત્વે 2017ની હત્યાના કેસના ગેરવહીવટથી શીખવાની જરૂરિયાત પર આધારિત છે. એ વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે. આમાં વિદ્યાર્થીને સમયસર મેડિકલ સહાય આપવામાં નિષ્ફળતા સહિત કાર્યવાહીમાં વિલંબ જેવી બાબતો ગાઇડલાઇન્સમાં બેદરકારીને આધારે જવાબદારી નક્કી કરવા માટેની છે.

નવી ગાઇડલાઇન્સ ત્રણ મુખ્ય વિચારો પર આધારિત છે- કાયદાકીય માળખા સાથે બધા લાગતાવળતા કાયદાઓ માટે જવાબદારી નક્કી થવી, સ્કૂલોની સુરક્ષા માટે શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારી, સ્કૂલનું વહીવટી મંડળ અને માતાપિતા તેમ જ બધા સ્ટેકહોલ્ડરોની સ્પષ્ટ જવાબદારી અને સમાજની ભૂમિકા નક્કી કરવામાં આવી છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]