નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ભલે 16,326 નવા કેસ નોંધાયા હોય, પણ રોગચાળાને કારણે મૃત્યુદર 1.2 ટકા છે, જે હેરાન કરવાવાળી વાત છે. આ સાથે વિશ્વના અનેક દેશોમાં રોગચાળાની નવી લહેર હેરાન કરી રહી છે. બ્રિટનમાં કોરોના વાઇરસમાં થયેલો બદલાવ ડરામણો છે અને દૈનિક ધોરણે 40,000થી વધુ કેસ સામે આવી રહ્યા છે. રશિયામાં પણ હાલના દિવસોમાં દૈનિક 1000નાં મોત થઈ રહ્યાં છે.
કોરોના રોગચાળાના નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં કોરોનાના કેસોમાં ભલે ઘટાડો થયો હોય પણ બ્રિટન અને વિશ્વના અન્ય દેશોમાં કોરોના કેસોમાં થઈ રહેલા વધારાને જોતાં એને નજરઅંદાજ કરવો ભારે પડી શકે છે. વળી, હજી દેશમાં એક મોટા રસીકરણ કવરેજની જરૂર છે. વાઇરોલોજિસ્ટ શાહિદ જમિલ કહે છે કે રસીકરણમાં આપણ 100 કરોડ ડોઝ લગાવીને સફળતા મેળવી છે, પરંતુ હજી સાવધ રહેવાની આવશ્યકતા છે. યુકેના મિડલસેક્સ યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યું હતું કે રોગચાળામાં કેસો ઓછા થવાનો અર્થ એ નથી કે રોગચાળો ખતમ થઈ ગયો છે. કોરોના રોગચાળાએ અનેક દેશોમાં ઊથલો માર્યો છે.
કોરોનાની રસીના બુસ્ટર ડોઝની જરૂર આગામી વર્ષે ક્યારેય પણ થઈ શકે છે. જોકે એ નિર્ભર કરશે કે પહેલાં આપવામાં આવેલા બંને ડોઝ બીમારી અને મૃત્યુથી ક્યાં સુધી બચાવી રાખે છે, એમ AIIMSના પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ દર્શાવ્યો હતો કે ટૂંક સમયમાં બાળકોનું રસીકરણ શરૂ થશે.