ભારત-ચીન વચ્ચે લદ્દાખ પછી હવે તવાંગમાં ટેન્શન

લદ્દાખઃ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ભારત અને ચીન વચ્ચે LAC પર ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લેતો. બંને દેશો વચ્ચે કોર કમાન્ડર સ્તરની 13મા રાઉન્ડની બેઠક થઈ ચૂકી છે, પણ હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. આ બેઠકોના દોર વચ્ચે લદ્દાખ પછી ભારત અનૈ ચીનની વચ્ચે તવાંગમાં  ટેન્શન વધી રહ્યું છે. તવાંગમાં સેનામાં વધારો કરીને ચીન કોઈ નાપાક હરકત કરવાના પ્રયાસ કરી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં LAC પાસે મોટી સંખ્યામાં ચોકીઓને મજબૂત કરી છે અને કેટલીય હંગામી સેનાની શિબિર પણ લગાવી છે, જે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું હતું કે ચીની સેનાએ સરહદ પાસે સેનાની તાલીમ શિબિરો ઝડપી કરી દીધી છે. ચીની સેના દ્વારા પૂર્વના ક્ષેત્રમાં ઘૂસણખોરીની યોજના બનાવી રહ્યું છે. ગયા વર્ષે પાંચ મેએ પૂર્વ-લદ્દાખમાં ગલવાન ખીણમાં સીમાવિવાદને લઈને બંને દેશોની સેનાઓ આમનેસામને આવી ગઈ હતી. આ સીમાવિવાદ વખતે આશરે 20 ભારતીય સૈનિકોનાં મોત થયાં છે.

ભારત ચીન સાથે 3488 કિલોમીટરની લાંબી સરહદ શેર કરે છે. એ સરહદ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ થઈને પસાર થાય છે. આશરે 1346 કિલોમીટર લાંબી સીમા પૂર્વ ક્ષેત્રમાં છે, જેમાં તવાંગમાં કુલ 270 કિલોમીટર સીમા છે. બંને દેશો વચ્ચે સીમાને લઈને કોઈ સમજૂતી નથી થઈ, જેથી ચીન વારંવાર ભારતીય સીમામાં ઘૂસણખોરીના પ્રયાસ કરે છે.