પડોશીએ 12 વર્ષના કિશોરની ચાકુથી હત્યા કરી, વિડિયો વાઇરલ

ગાઝિયાબાદઃ શહેરમાં એક કિશોરની ચાકુથી હુમલાને કારણે મોત થયું છે. આ કિશોરના પાડોશીએ એના પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલાનો એક વિડિયો વાઇરલ થયો છે. સારવાર દરમ્યાન આ 12 વર્ષીય કિશોરનું મોત થયું છે. માતાની ફરિયાદને આધારે પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસી આરોપીની ધરપકડ કરી છે.

આ 12 વર્ષીય કિશોરની માતાનું કહેવું છે કે આરોપી કેટલાક સમય પહેલાં જ પડોશમાં રહેવા આવ્યો હતો અને અવારનવાર ઝઘડાઓ કર્યા કરતો હતો. એ દરમ્યાન આ કિશોરને ઘરમાં એકલા જોઈને પડોશીએ તેના પર હુમલો કર્યો હતો, જેમાં કિશોર બહુ વધારે ઘાયલ થયો હતો, જેનું પછી મોત થયું છે.

આ કિશોરની માતાએ કહ્યું હતું કે આશરે છ મહિના પહેલાં તેની પાડોશમાં બાલગોવિંદ ચૌહાણ નામનો શખસ રહેવા આવ્યો હતો. આરોપી આ કિશોરના ઘરની સામે દારૂની બોટલો અને હાડકાં નાખ્યાં કરતો હતો. એને કારણે અવારનવાર બંને પડોશી વચ્ચે ઝઘડા થયા કરતા હતા. એક વાર કિશોરની માતા બજારમાં ચીજવસ્તુ લેવા ગઈ હતી, ત્યારે આ કિશોર એકલો ઘરે હતો, ત્યારે બાલગોવિંદ સાથે તેનો ઝઘડો થયો હતો, જેમાંથી ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે પછી પડોશીએ કિશોરને ચાકુના વાર કર્યા હતા. આ કિશોરને એમ્સમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ત્યાં તેનું મોત થયું હતું.