સરહદના મુદ્દા માટે નહેરુની ટૂંકી દ્રષ્ટિ જવાબદારઃ પેમા ખાંડુ

મુંબઈઃ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ ભારત-તિબત સરહદે ઉદભવેલી સ્થિતિ માટે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની ટૂંકી દ્રષ્ટિને જવાબદાર ઠેરવી હતી. મુંબઈમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે  સિમલા સમજૂતી પછી તવાંગ સહિત અરુમાચલ પ્રદેશને ભારતનો વિસ્તાર બનાવવામાં આવ્યો હતો અને સરદાર વલ્લભભાઈ પટેલે એમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. નહેરુ દ્વારા સમયસર નિર્ણય ના લેવામાં આવતાં સ્થિતિ સતત બગડતી ગઈ હતી. ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી હતી અને હાલની ભાજપ સરકાર એ છેડછાડને ઠીક કરવાનું કામ કરી રહી છે.

વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દેશના ગુમનામ નાયકોને ઓળખ આપી રહ્યા છે અને તેમને શાળાના પાઠ્યક્રમમાં જગ્યા આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે 2014 પહેલાં ગૃહપ્રધાન ક્યારેક-ક્યારેક પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત કરતા હતા અને માત્ર ગુવાહાટી સુધી તેમની મુલાકાત સીમિત રહેતી હતી.

જોકે આજે દરેક 15 દિવસમાં કોઈ ને કોઈ કેન્દ્રીય પ્રધાન પૂર્વોત્તર રાજ્યની મુલાકાત લે છે અને પોતાના વિભાગ હેઠળ થઈ રહેલાં કાર્યોની સમીક્ષા કરે છે. હવે પૂર્વોત્તર રાજ્યોની ઓળખ અલગાવવાદ, ભ્રષ્ટાચાર અને ડ્રગ્સના જોખમોથી સંપૂર્ણપણ બદલાઈ ચૂકી છે. હવે અહીં મૂડીરોકાણનો માહોલ ઝડપથી વિકસિત થઈ રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે આ વિસ્તારમાં ધર્માંતરણને પડકારજનક ગણાવતાં કહ્યું હતું કે તેમની સરકારે 2017માં સ્વદેશી મામલોનો વિબાગ શરૂ કર્યો હતો, જે પછી આ સમસ્યાને ઉકેલવામાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.