‘કોંગ્રેસ જ ભાજપને હરાવશે’: રાહુલ ગાંધીનો દાવો

જયપુરઃ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પાર્ટીએ શરૂ કરેલી ‘ભારત જોડો યાત્રા’એ આજે 100 દિવસ પૂરા કર્યા છે. પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ અને સંસદસભ્ય રાહુલ ગાંધીએ આજે અહીં પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. એમાં પત્રકારોના સવાલોના જવાબ આપતાં તેમણે એવો દાવો કર્યો હતો કે, ‘યાદ રાખજો, એક દિવસ કોંગ્રેસ જ ભાજપને હરાવશે. અમારો પક્ષ વિખેરાઈ ગઈ નથી. કોંગ્રેસ તૂટી ગઈ છે, સમાપ્ત થઈ ગઈ છે એમ કહેવું ભૂલભરેલું છે. કોઈએ પણ અમારી પાર્ટીની કિંમત ઓછી આંકવી ન જોઈએ. આગામી સમયમાં કોંગ્રેસ જ ભાજપને હરાવશે. ભાજપ અને આરએસએસનું કામ કોંગ્રેસને બદનામ કરવાનું છે. અમારી વિચારધારા ભાજપ અને આરએસએસથી વિરુદ્ધ છે.’

રાહુલે વધુમાં કહ્યું કે, ‘ભાજપનો સામનો કરવાની જેમનામાં હિંમત ન હોય તેઓ કોંગ્રેસ પાર્ટી છોડીને જઈ શકે છે. અમને તો એવા લોકો જોઈએ છે જેઓ કોંગ્રેસમાં વિશ્વાસ રાખે.’