નવી દિલ્હીઃ નિઝામુદ્દીનમાં તબલિગી જમાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં કમસે કમ 7,600 ભારતીય અને 1,300 વિદેશી લોકોએ ભાગ લીધો હોવાની માહિતી સામે આવી છે. જમાતે પાછલા મહિને એક ધાર્મિક કાર્યક્રમ દિલ્હીના નિઝામુદ્દીનમાં આયોજિત કર્યો હતો. હાલ હવે આ કાર્યક્રમ ભારતમાં કોરોના વાઇરસનું સૌથી મોટું હબ બનીને ઊભર્યું છે, એમ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું. હવે જેમ-જેમ તબલિગી જમાતના સભ્યોની ઓળખ થશે તેમ-તેમ આ સભ્યોની સંખ્યા પણ વધવાની શક્યતા છે. દેશમાં જમાતના અન્ય દેશોમાંથી આવેલા 1,306 સભ્યોની ઓળખ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે એકત્ર કરેલી માહિતી મુજબ પહેલી એપ્રિલ સુધી 1,051 લોકોને કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. 21 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જ્યારે બે લોકોનાં મોત થયાં હતાં.
તબલિગી જમાતના 400 લોકો કોરોના પોઝિટવ
તબલિગી જમાતના 7,688 કાર્યકર્તાઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, જેથી તેમને કવોરોન્ટાઇન કરી શકાય. તબલિગી જમાતથી જોડાયેલા 400 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી મુજબ તામિલનાડુમાં સૌથી વધુ 190 લોકો, આંધ્ર પ્રદેશમાં 71 લોકો, દિલ્હીમાં 53 લોકો, તેલંગાણામાં 28, આસામમાં 13, મહારાષ્ટ્રમાં 12, આંદામાનમાં 10, જમ્મુ-કાશ્મીરમાં છ અને ગુજરાત અને પોંડિચેરીમાં બે-બે લોકો કોરોના પોઝિટવ થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 437ના નવા કેસ
દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં કોવિડ-19થી અત્યાર સુધી 50 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને ચેપગ્રસ્ત લોકોનૂ સંખ્યા 1,834એ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 437 નવા કેસ સામે આવ્યા છે.