કેરળના વાયનાડમાં રાહુલ સામે ભાજપ-NDA જૂથે ઉતાર્યા તુષાર વેલ્લાપલ્લીને

તિરુવનંતપુરમ – કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આ વખતની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના અમેઠી ઉપરાંત કેરળના વાયનાડ મતવિસ્તારમાંથી પણ ચૂંટણી લડવાના છે. એમની સામે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સે તુષાર વેલ્લાપલ્લીને ઉભા રાખવાનો નિર્ણય લીધો છે.

ભાજપપ્રમુખ અમિત શાહે આજે ટ્વિટર પર આ નામની જાહેરાત કરી છે.

વેલ્લાપલ્લી ભારત ધર્મ જન સેનાનાં પ્રમુખ છે.

ભાજપે વેલ્લાપલ્લીને જોશીલા નેતા તરીકે ઓળખાવ્યા છે. વિકાસ તથા સામાજિક ન્યાય માટે પક્ષની પ્રતિબદ્ધતાનું વેલ્લાપલ્લી પ્રતિનિધિત્વ કરે છે.

અમિત શાહે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વેલ્લાપલ્લીની ઉમેદવારીથી કેરળના રાજકારણમાં એક વિકલ્પ બનવાનો એનડીએ જૂથ માટે માર્ગ મોકળો થશે.

ભારત ધર્મ જન સેના NDAમાં સહયોગી છે. આ પાર્ટીની સ્થાપના 2015ના ડિસેંબરમાં કરવામાં આવી હતી. તુષારનાં પિતા વેલ્લાપલ્લી નાટેસન તો કેરળમાં ઘર-ઘરમાં જાણીતું નામ છે.

વેલ્લાપલ્લી નાટેશન શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ સંસ્થાનાં મહામંત્રી છે. આ સામાજિક તથા સાંસ્કૃતિક સંસ્થા છે. કેરળમાં ઈળવા સમુદાયનું આ સંસ્થા પ્રતિનિધિત્વ કરે છે.

ગયા વર્ષે, વેલ્લાપલ્લી નાટેસને સબરીમાલા કર્મ સમિતિની આકરી ટીકા કરી હતી.

httpss://twitter.com/AmitShah/status/1112643549198077953