નવી દિલ્હીઃ નિર્ભયા મામલે ફાંસીની સજા પામેલા દોષિતોમાંથી એક મુકેશ સિંહની અરજી પર સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજીકર્તાના વકીલ જલ્દી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી પાસે અપીલ કરે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની અધ્યક્ષતા વાળી બેંચે કહ્યું કે, કોઈને આગામી 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનું નક્કી છે અને આ અરજી જલ્દી જ સાંભળવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 માં થયેલા નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા મામલે મૃત્યુની સજા પામેલા દોષિતો પૈકી એક મુકેશ સિંહે દયા અરજી ફગાવવાના રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. શનિવારના રોજ અરજી દાખલ કરીને તેણે દયા અરજી ફગાવવામાં આવી તેની ન્યાયિક સમીક્ષા કરવા અરજી કરી છે. દોષિત મુકેશ દ્વારા આ અરજી વકીલ વૃંદા ગ્રોવરે દાખલ કરી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 17 જાન્યુઆરીના રોજ મુકેશ સિંહની દયા અરજી ફગાવી હતી. વકીલ વૃંદા ગ્રોવર અનુસાર, જે પ્રકારે દયા અરજી ફગાવવામાં આવી છે, તેની ન્યાયિક સમીક્ષા કરવા માટે અરજી આર્ટિકલ 32 અંતર્ગત દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બર 2012 ના રોજ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ચાલતી બસમાં નિર્ભયા સાથે દુષ્કર્મ થયું હતું, બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ મામલામાં કુલ 6 આરોપીઓ હતા. આ પૈકી રામ સિંહે તિહાડ જેલમાં આત્મ હત્યા કરી લીધી હતી જ્યારે એક નાબાલિકની સજા પૂરી થઈ ગઈ છે. આ સિવાય મુકેશ સિંહ, વિનય કુમાર શર્મા, પવન કુમાર ગુપ્તા અને અક્ષય કુમાર સિંહને પહેલા નિચલી કોર્ટ અને પછી દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજા સંભળાવી ચૂકી છે.