મહારાષ્ટ્રઃ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સત્તા માટેની ખેંચતાણ વચ્ચે આખરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા છે. એનસીપીનાં અજિત પવારે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપ અને એનસીપીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. અમારી સાથે ચૂંટણી લડેલી શિવસેનાએ તે જનાદેશને નકારી બીજી જગ્યાએ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો. મહારાષ્ટ્રમાં સ્થિર શાસન આપવાની જરૂરિયાત હતી. મહારાષ્ટ્રને સ્થાયી સરકાર આપવાનો નિર્ણય કરવા માટે અજીત પવારનો ધન્યવાદ.”

અજિત પવારે કહ્યું કે, “પરિણામનાં દિવસથી લઇને આજ સુધી કોઈ પણ સરકાર બનાવવા માટે સક્ષમ નહોતુ, મહારાષ્ટ્ર ખેડૂતો સહિત અનેક મુદ્દાઓનો સામનો કરી રહ્યું હતુ. આ કારણે એક સ્થિર સરકાર બનાવવાનો નિર્ણય લીધો.”

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસને ફરીવાર મહારાષ્ટ્રનાં સીએમ બનવા પર અભિનંદન આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘દેવેન્દ્ર ફડણવીસજી અને અજિત પવારજીને ક્રમશ: મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી પદનાં શપથ લેવા પર અભિનંદન. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રનાં ઉજ્જવળ ભવિષ્યને લઇને લગનથી કામ કરશે.’

અમિત શાહે પણ ટ્વિટ કરીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી અજિત પવારને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે, ‘મને વિશ્વાસ છે કે આ સરકાર મહારાષ્ટરનાં વિકાસ અને કલ્યાણ પ્રત્યે નિરંતર કટિબદ્ધ રહેશે અને પ્રદેશમાં પ્રગતિનાં નવા માપદંડ સ્થાપિત કરશે.’