બેંગલુરુઃ કર્ણાટકનાં CM સિદ્ધારમૈયાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી પર સવાલ ઊભા કર્યા છે. EDએ સિદ્ધારમૈયાની વિરુદ્ધ મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધ્યો છે. CM સિદ્ધારમૈયાએ કહ્યું છે કે મૈસુર અર્બન ડેવલમેન્ટ ઓથોરિટી મામલામાં PMLAની જોગવાઈ લાગુ નથી થતી. CM સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે હું રાજીનામું નહીં આપું.
રાજ્યમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કર્ણાટકના CM સિદ્ધારમૈયા સામે કેસ દાખલ કર્યો છે. ગયા સપ્તાહે જ કર્ણાટકના લોકાયુક્તે રાજ્યના CM અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલો મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) પ્લોટ ફાળવણી સાથે સંબંધિત છે. કોર્ટના આદેશ બાદ CMસિદ્ધારમૈયા અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
બીજી બાજુ, CMનાં પત્ની પાર્વતીએ મૈસુર ડેવલપમેન્ટ અર્બન ડેવલપમેન્ટ આથોરિટી (MUDA)ને પત્ર લખીને તેમને ફાળવાયેલા 14 પ્લોટ સરેન્ડર કરવાની ઇચ્છા જણાવી છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે હું મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મને સોંપવામાં આવેલા 14 પ્લોટને પરત કરવા માગું છું. હું આ પ્લોટ્સનો કબજો પણ MUDAને પાછો આપું છું. આ મામલે MUDAને હવે ત્વરિત પગલાં લેવા વિનંતી કરું છું.
તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે મૈસુરમાં મારા પરિવાર સામે કરવામાં આવેલા આરોપોથી હું ખૂબ જ દુખી છું. મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે મારા ભાઈ બાબુને કુટુંબના વારસામાં મળેલા પ્લોટથી આટલી હંગામો મચી જશે કે મારા પતિને આ મુદ્દાને કારણે ખોટા આરોપોનો સામનો કરવો પડી શકે છે. મારા માટે મારા પતિના માન, પ્રતિષ્ઠા અને માનસિક શાંતિ કરતાં કોઈ ઘર, પ્લોટ કે મિલકત વધુ મહત્ત્વની નથી. આટલાં વર્ષો સુધી સત્તામાં રહ્યા પછી મેં ક્યારેય મારા કે મારા પરિવાર માટે કોઈ અંગત લાભ માગ્યો નથી. તેથી, મેં આ વિવાદના કેન્દ્રમાં રહેલા 14 MUDA પ્લોટ પરત કરવાનો નિર્ણય લીધો છે.