આજે વર્ષ 2024-25 માટે કેન્દ્ર નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. સતત સાતમું બજેટ રજૂ કરતા સમયે નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર રહેશે. સરકાર નોકરીની તકો વધારશે’. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. નાણામંત્રીએ આ બજેટમાં મોટી જાહેરાતો કરી છે. આ બજેટમાં મુદ્રા લોન માટે આપવામાં આવતી રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ લોકોને 10 લાખ રૂપિયા સુધીની લોન લેવાની સુવિધા હતી. પરંતુ હવે સરકારે આ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી છે. આ યોજના 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર વખતે ભાજપના સંકલ્પ પત્ર એકમાં ગેરંટી આપવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોનને 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે. એટલે કે જો ભાજપ સરકાર ફરી સત્તામાં આવશે તો યોજના હેઠળ ઉપલબ્ધ લોનની રકમ બમણી કરવામાં આવશે. એટલે ક્યાંકને ક્યાંક મોદી સરકરાની ત્રીજી ટર્મ વખતેના પ્રથમ બજેટમાં ગેરંટી પુર્ણ થતી જોવા મળી રહી છે.