નવી દિલ્હીઃ આ વખતે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં અનેક સંસદસભ્યોએ વિધાનસભાની ચૂંટણી લડી છે. એમાંના જે સાંસદો વિધાનસભા ચૂંટણીમાં વિજયી થયા છે એમણે 14 દિવસની અંદર કોઈ પણ એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે, નહીં તો તેઓ એમનું સંસદ સભ્યપદ ગુમાવી દેશે, એમ એક નિષ્ણાતે કહ્યું છે. બંધારણીય નિષ્ણાત અને લોકસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ પી.ડી.ટી. અચારીએ કહ્યું છે કે, ‘બંધારણની જોગવાઈઓ અનુસાર જે સંસદસભ્યોએ વિધાનસભાની ચૂંટણી જીતી છે, એમણે એક પદ છોડવું જ પડશે. જો તેઓ 14 દિવસમાં કોઈ એક બેઠક નહીં છોડે તો સાંસદપદ ગુમાવશે, પરંતુ વિધાનસભ્ય પદ ચાલુ રહેશે.’
ભારતીય જનતા પાર્ટીએ 21 સંસદસભ્યોને વિધાનસભા ચૂંટણીની ટિકિટ આપી હતી. આમાં રાજસ્થાનમાં 7, મધ્ય પ્રદેશમાં 7, છત્તીસગઢમાં 4 અને તેલંગણામાં 3 નેતાનો સમાવેશ થાય છે. આમાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો છે – નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ અને ફગ્ગનસિંહ કુલસ્તે.