ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કાર્યવાહી કોરોના વાઇરસને કારણે 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી હતી. જેથી મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે હાલપૂરતી રાહત મળી છે. વિધાનસભાના અધ્યક્ષ એન. પી. પ્રજાપતિએ કહ્યું હતું કે પ્રદેશના સ્વાસ્થ્યની પણ ચિંતા છે. વિધાનસભ્યો જ્યારે આવશે તો તેમને સેનિટાઇઝર અને માસ્ક પણ આપવામાં આવશે. મુખ્ય પ્રધાન કમલનાથ સરકારની પણ ઇચ્છા એવી જ હતી કે ફ્લોર ટેસ્ટ કોઈ પણ રીતે ટાળવામાં આવે, જેથી તેમને સંખ્યાબળ ભેગું કરવામાં વધુ સમય મળી જાય.
રાજ્યપાલે આપ્યું એક મિનિટનું ભાષણ
વિધાનસભામાં રાજ્યપાલ લાલજી ટંડનના ભાષણના પ્રારંભમાં જ ગરમાગરમી થઈ હતી. ભાજપ તરફથી નરોત્તમ મિશ્રાએ રાજ્યપાલને કહ્યું હતું કે જે સરકાર અલ્પમતમાં છે, શું રાજ્યપાલ એ સરકારની પ્રશંસા કરી રહ્યા છે, તેમ છતાં લાલજી ટંડને ભાષણ આપવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તેમનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિધાનસભ્યો મધ્ય પ્રદેશના ગૌરવનું રક્ષણ કરે અને બંધારણના નિયમોનું પાલન કરે.
કમલનાથે કહ્યું આવો ફ્લોર ટેસ્ટ અલોકતાંત્રિક
વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં પહેલાં મુખ્ય પ્રધાન કમલનાથે રાજ્યપાલને એક પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપે કોંગ્રેસના કેટલાક વિધાનસભ્યોને બંધક બનાવી લીધા છે. તેઓ એ કોંગ્રેસી વિધાનસભ્યોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેઓ હાલ બેંગલુરુમાં છે. તેમણે કહ્યું હતું કે આવી સ્થિતિમાં ફ્લોર ટેસ્ટ કરવાનો ગેરબંધારણીય છે.
કોંગ્રેસ-ભાજપની વાડાબંધી
કોંગ્રેસે પોતાના વિધાનસભ્યોને જયપુરમાં રાખ્યા હતા અને રવિવારે આ વિધાનસભ્યોને ભોપાલ લાવવામાં આવ્યા હતા. તેમને હોટેલ મેરિયટમાં રાખવામાં આવ્યા હતા. બીજી બાજુ ભાજપ તેમના વિધાનસભ્યોને રવિવારે મોડી રાત્રે ભોપાલ લાવ્યો હતો અને તેમને આમેર ગ્રીન હોટેલમાં રાખ્યા હતા.