મધર ડેરીનું દૂધ બે રૂપિયા મોંઘું થયું

નવી દિલ્હીઃ મધર ડેરીએ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તથા નેશનલ કેપિટલ રીજન (એનસીઆર)માં તેના ફૂલ ક્રીમ દૂધનો પ્રતિ લીટર ભાવ રૂ. 64થી વધારીને રૂ. 66 કરવાનો અને ટોન્ડ દૂધનો ભાવ રૂ. 51થી વધારીને રૂ. 53 કરવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે, ડબલ ટોન્ડ-મિલ્કનો ભાવ પ્રતિ લીટર રૂ.45થી વધી રૂ. 47 થશે. જોકે આ બ્રાન્ડના ગાયના દૂધ તથા ટોકન મિલ્ક (બલ્ક વેન્ડેડ)ના ભાવમાં વધારો કરાયો નથી. નવો ભાવ આવતીકાલથી અમલમાં આવશે. દિલ્હી ઉપરાંત ગુરુગ્રામ, ગાઝિયાબાદ, નોઈડા, ફરિદાબાદમાં પણ મધર ડેરીનું દૂધ આવતીકાલથી મોંઘું થશે.

વર્ષ 2022માં મધર ડેરીએ તેના દૂધના ભાવમાં આ પાંચમી વખત વધારો કર્યો છે. તેણે આ પહેલાં ગયા માર્ચ, ઓગસ્ટ, ઓક્ટોબર અને નવેમ્બરમાં ભાવ વધાર્યો હતો. કંપનીએ કહ્યું છે કે ડેરી ખેડૂતો પાસેથી કાચા દૂધની પ્રાપ્તિ માટેના ખર્ચમાં વધારો થવાથી દૂધનો ભાવ વધારવો પડ્યો છે.