વંટોળમાં હોર્ડિંગ કાર પર પડવાથી માતા-પુત્રીનાં મોત

લખનઉઃ શહેરના એકાના સ્ટેડિયમમાં વંટોળમાં એક મોટું હોર્ડિંગ પડી ગયું હતું. આ દુર્ઘટનામાં એ હોર્ડિંગ એક સ્કોર્પિયો કાર પડ્યું હતું, જેથી એની નીચે ત્રણ જણ દબાયાની માહિતી પોલને મળી હતી, પોલીસે કાટમાળમાંથી ત્રણ ઘાયલોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલી આપ્યા હતા, પરંતુ એમાંથી બે (માતા અને પુત્રી)નાં મોત થયાં હતાં.

શહેરમાં સોમવારે સાંજે ફૂંકાયેલા વંટોળમાં ઇકાના સ્ટેડિયમમાં ગેટ નંબર બેની પાસે યુનિપોલ પર લાગેલા મોટા હોર્ડિંગ ઊખડીને સર્વિસ લેન પર ઊભેલી કાર પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં કારની અંદર બેઠેલી પ્રીતિ (35) અને તેની પુત્રી એન્જલ (15)નાં મોત થયાં હતાં, જ્યારે તેમનો ડ્રાઇવર સરતાજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. એની સાથે એક રાહદારી પણ આ હોર્ડિંગની ચપેટમાં આવવાથી ગંભીર રીતે ઇજા પામ્યો હતો. આ દુર્ઘટનાથી ત્યાં અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસ અને વહીવટી તંત્રના અનેક અધિકારી ત્યાં પહોંચ્યા હતા. ક્રેનની મદદથી મોટી મુશ્કેલીથી કારસવારો બહાર કાઢ્યા હતા. બંને ઘાયલોની લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હોર્ડિંગ પડવાથી કાર દબાઈ ગઈ હતી, એમ પોલીસે કહ્યું હતું.

આ વંટોળ સાત-આઠ મિનિટમાં શાંત થયું હતું, ત્યારે બધા કાર તરફ દોડ્યા હતા તો ગાડીની અંદરનું દ્રશ્ય જોઈને હતપ્રભ થયા હતા. કારની અંદરથી ડ્રાઇવરનો કણસવાનો અવાજ આવતો હતો, જ્યારે મહિલા અને તેની પુત્રી લોહીલુહાણ હતાં.