નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની બીજી લહેરને કારણે દેશભરમાં અનેક લોકોએ નોકરીઓ ગુમાવવી પડી છે. આ રોગચાળાને કારણે ગયા મહિને મે મહિનામાં 1.54 કરોડથી વધુ ભારતીયોએ નોકરી ગુમાવવી પડી છે, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)નો અહેવાલ કહે છે. દેશમાં એક વર્ષથી આર્થિક સુધારા પર બ્રેક લાગી ગઈ છે. હાલમાં બેરોજગારીના આંકડામાં કોઈ સુધારો થવાની સંભાવના નથી દેખાતી.
અહેવાલ મુજબ આ વર્ષે એપ્રિલમાં 39.7 કરોડ લોકોની પાસે રોજગારી હતી, પણ મેમાં એ સંખ્યા ઘટીને 37.5 કરોડ સુધી પહોંચી ગઈ. કોરોનાની બીજી લહેર પિક પર હતી, ત્યારે કંપનીઓ દ્વારા નોકરીઓમાં ભારે કાપ મુકાઈ રહ્યો હતો. કેટલાંય રાજ્યોમાં લોકડાઉન લાગતાં એમાં વધુ તેજી આવી. એપ્રિલ અને મે મહિનામાં સેલરીવાળી અને વગર સેલરીવાળી નોકરીઓમાં 2.3 કરોડનો ઘટાડો થયો હતો. તાજા આંકડા મુજબ કરોડો બેરોજગારોમાંથી 5.07 કરોડ લોકો સક્રિય રીતે નોકરીની તલાશ કરી રહ્યા છે, પણ ઓછી તકોને લીધે તેમને નોકરીઓ નથી મળી રહી.
અહેવાલ મુજબ બેરોજગારીનો દર મે મહિનામાં 12 ટકા રહ્યો હતો, જ્યારે એપ્રિલમાં એ આઠ ટકા હતો. CMIEએ એપ્રિલમાં 1.75 લાખ પરિવારોનો દેશવ્યાપી સર્વે કર્યો હતો. સર્વેમાં માલૂમ પડ્યું હતું કે ગયા વર્ષે રોગચાળો શરૂ થવાથી અત્યાર સુધી 97 ટકા પરિવારોની આવક ઓછી થઈ છે. માત્ર ત્રણ ટકા લોકોએ કહ્યું હતું કે તેમની આવક વધી છે, જ્યારે 55 ટકા લોકોએ કહ્યું હતું કે તેમની આવક ઓછી થઈ છે. CMIEના CEO મહેશ વ્યાસના જણાવ્યા મુજબ અસંગઠિત ક્ષેત્રમાં તો સુધારો થઈ રહ્યો છે, પણ સંગઠિત ક્ષેત્ર અથવા ફોર્મલ ક્ષેત્રને પાટે ચઢતાં હજી વધુ સમય લાગશે.આવામાં નોકરી ગુમાવનારા લોકોને નવી નોકરી શોધવામાં મુશ્કેલી થઈ રહી છે.