નવી દિલ્હી- કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ TDP દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને લોકસભા અધ્યક્ષ દ્વારા મંજૂર કરાયા બાદ આજે ચર્ચા અને મતદાન કરવામાં આવશે. સરકાર વિરુદ્ધ મતદાન કરવા કોંગ્રેસ સહિત મોટાભાગના વિરોધ પક્ષો એકજૂટ છે. પરંતુ મોદી સરકાર અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ચિંતિત નથી જણાઈ રહી.આંકડાઓનું ગણિત સ્પષ્ટ જણાવી રહ્યું છે કે, મોદી સરકાર પાસે સંસદમાં બહુમત સાબિત કરવા પર્યાપ્ત નંબર છે. જેથી મોદી સરકાર ‘અવિશ્વાસની અગ્નિપરીક્ષા’માં સરળતાથી પાસ થશે તેમ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ રાજકીય પંડિતોનું માનીએ તો NDA સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને વિરોધ પક્ષ પોતે જ પીએમ મોદીની જાળમાં ફસાઈ ગયો છે.
જોકે મોદી સરકાર સંસદના ગત બે સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા લાવવામાં આવનારા અવિશ્વાસ પ્રસ્તાવથી બચતી રહી હતી. બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ અને YSR કોંગ્રેસ દ્વારા અનેક પ્રયાસ કરવા છતાં લોકસભા અધ્યક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર કર્યો નહતો. જ્યારે હવે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ અવિશ્વાસ પ્રસ્તાવને ધ્યાન પર લેવાયો ઉપરાંત ચર્ચા અને મતદાન માટે પણ દિવસ નક્કી કરવામાં આવ્યો. આ બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને જાણકારો માની રહ્યાં છે કે, વિપક્ષ ‘મોદી ટ્રેપ’માં ફસાયો છે.
વિરોધ પક્ષોની સ્થિતિ જોઈએ તો, વર્તમાન સમયમાં લોકસભામાં સૌથી વધુ બેઠક કોંગ્રેસ પાસે 48 છે. જ્યારે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારી TDP પાસે 16 બેઠક છે. જ્યારે અન્ય સહયોગી JDS 1, NCP 7, RJD 4, TMC 34, CPIM 9 અને સપાના 7 સદસ્યો છે. ઉપરાંત આમ આદમી પાર્ટીના 4, TRS 11, YSR 4, AUDF 3 અને BJDના 20 સદસ્યો છે. જો બધા પક્ષો સરકાર વિરુદ્ધ એક સાથે આવે તો પણ 268ના અંકથી ઘણા દૂર રહે છે. જેથી એક વાત સ્પષ્ટ છે કે, કેન્દ્ર સરકાર સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ સરકાર માટે સ્હેજ પણ ચિંતાનું કારણ નથી.