સુશાસને પ્રભાવશાળી વિજય હાંસલ કર્યો છેઃ પીએમ મોદી; રાહુલે હાર સ્વીકારી

નવી દિલ્હી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની પ્રભાવશાળી જીત દર્શાવે છે કે સુશાસન અને વિકાસની નીતિઓને લોકોનો મજબૂત ટેકો છે.

મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે હું ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપને જેને કારણે જ્વલંત વિજય મળ્યો છે તે પક્ષના કાર્યકર્તાઓના સખત પરિશ્રમને હું સલામ કરું છું.

મોદીએ વધુમાં કહ્યું છે કે, હું ગુજરાત તથા હિમાચલ પ્રદેશની જનતાને પણ હું નમન કરું છું કે એમણે ભાજપમાં એમની લાગણી તથા વિશ્વાસ રાખ્યો છે. હું એમને ખાતરી આપું છું કે આ રાજ્યોમાં વિકાસની સફરને આગળ વધારવામાં તેમજ જનતાની અથાગ રીતે સેવા બજાવવામાં અમે કોઈ પાછી પાની નહીં કરીએ.

કોંગ્રેસ પાર્ટી લોકોના નિર્ણયનો સ્વીકાર કરે છેઃ રાહુલ

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશ, બંને રાજ્યની ચૂંટણીમાં એમની પાર્ટીના થયેલા પરાજયનો સ્વીકાર કર્યો છે.

રાહુલે ટ્વીટ કરીને કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી બંને રાજ્યોના લોકોના ચુકાદાનો સ્વીકાર કરે છે અને બંને રાજ્યોમાં નવી સરકારોને અભિનંદન આપે છે. મારી પર પ્રેમ દર્શાવવા બદલ હું ગુજરાત તથા હિમાચલની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું.

એક અન્ય ટ્વીટમાં, રાહુલે પક્ષના પુરુષ અને મહિલા, કાર્યકર્તાઓનો આભાર માન્યો છે અને કહ્યું કે એમની કામગીરીથી પોતે ગર્વની લાગણી મહેસુસ કરે છે. આપ સૌએ બતાવ્યું છે કે કોંગ્રેસની ખરી તાકાત એની હિંમત છે.

વંશવાદ ઉપર વિકાસનો વિજય થયો છેઃ અમિત શાહ

ભાજપપ્રમુખ અમિત શાહે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે પત્રકાર પરિષદમાં કહ્યું કે આજે બંને રાજ્યની ચૂંટણીના પરિણામો વંશવાદ અને ધ્રૂવીકરણ ઉપર વિકાસનો વિજય છે. ભાજપ ફરીવાર વિજયી થયો છે. અમને સેવા કરવાની વધુ એક તક આપવા બદલ હું ગુજરાત તથા હિમાચલ પ્રદેશની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું.

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી જાતિવાદનું રાજકારણ કરતી હતી. એણે ગુજરાતમાં જાતિપ્રેરિત રાજકારણ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજ્યની જનતાએ એને પછડાટ આપી છે. ગુજરાતમાં જાતિ આધારિત રાજકારણની આગ લગાડવાનો કોંગ્રેસે પ્રયાસ કર્યો હતો, પણ ભાજપ એને રોકવામાં સફળ થયો છે. લોકોએ પીએમ મોદીના વિકાસના પંથમાં પુનઃ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હિમાચલ પ્રદેશમાં પણ લોકો વિકાસની સફરમાં પીએમ મોદી સાથે જોડાવા ઈચ્છે છે એ તેમણે ચૂંટણીના પરિણામ દ્વારા દર્શાવ્યું છે.