દર વર્ષે 10 લાખ યુવાઓને લશ્કરી તાલીમ આપશે મોદી સરકાર

નવી દિલ્હી- રાષ્ટ્રવાદ અને અનુશાસનને પ્રોત્સાહન આપવા કેન્દ્રની મોદી સરકાર દર વર્ષે 10 લાખ યુવાનોને લશ્કરી તાલીમ આપવાની યોજના બનાવી રહી છે. દેશની યુવા જનસંખ્યાનો લાભ લેવા અને નેશનલ યુથ એમ્પાવરમેન્ટ યોજના અંતર્ગત આ યુવાનોને લશ્કરી તાલીમ આપવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.આ યોજના અંતર્ગત ધોરણ 10 અને 12માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ શામેલ કરવામાં આવશે. યોજના હેઠળ સરકાર પસંદગી પામેલા યુવાઓને 12 મહિના માટે નિશ્ચિત કરવામાં આવેલી સ્ટાઈપન્ડની રકમ પણ ચુકવશે. આ ઉપરાંત સંરક્ષણ, અર્ધલશ્કરી દળો અને પોલીસમાં ભરતી થનારાઓ માટે આ તાલીમ ફરજિયાત બનાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ વડાપ્રધાન ઓફિસ દ્વારા આ યોજના પર કાર્ય કરવા એક બેઠક પણ બોલાવવામાં આવી હતી. જેમાં સંરક્ષણ મંત્રાલયના પ્રતિનિધિઓ, યુવા બાબતોના વિભાગ અને માનવ સંસાધન મંત્રાલયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.

આ યોજના દ્વારા દેશના યુવાઓમાં રાષ્ટ્રવાદ, અનુશાસન અને આત્મસમ્માન વધારવા માટે પ્રોત્સાહન અને તાલિમ આપવામાં આવશે. જેથી ભારતને વિશ્વગુરુ બનાવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂઈન્ડિયા 2022ના વિઝનને સાકાર કરવામાં મદદ મળશે.