નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) પરથી 46મી વખત પ્રસારિત કરાયેલા એમના માસિક મન કી બાત કાર્યક્રમમાં પોતાના મનનાં વિચારો જનતા સમક્ષ રજૂ કર્યા હતા. એમણે કહ્યું કે ગણેશ ઉત્સવ જેવા તહેવારો લોકોમાં એકતા સાધતા શ્રેષ્ઠ ઉત્સવો છે અને તે ઉત્સાહપૂર્વક ઉજવવા જોઈએ, પરંતુ પર્યાવરણને હાનિ ન પહોંચે એ રીતે તેની ઉજવણી કરવી જોઈએ.
વડા પ્રધાને કહ્યું કે ગણેશ ઉત્સવ ઉત્સાહ અને પૂરા દિલથી ઉજવવા જોઈએ, પરંતુ ઈકો-ફ્રેન્ડલી રીતે ઉજવવા જોઈએ. આ ઉત્સવ નેતૃત્વ તથા સંસ્થાકિય કૌશલ્ય હાંસલ કરવાની એક તક સમાન છે.
વડા પ્રધાને કહ્યું કે ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણપતિની મૂર્તિથી લઈને સજાવટની તમામ સામગ્રી ઈકો-ફ્રેન્ડલી હોવી જોઈએ. દરેક શહેરમાં આ રીતે ગણેશોત્સવ ઉજવાય અને એ માટે ઈનામો પણ અપાય તો એની હું સરાહના કરીશ.
આ વર્ષે ગણેશોત્સવ 12 સપ્ટેંબર ગણેશ ચતુર્થીના દિવસથી ઉજવવામાં આવશે. 11 દિવસના આ ઉત્સવનું આખરી દિવસે ભગવાન ગણપતિની મૂર્તિનું દરિયા, નદી, તળાવ કે સરોવરમાં વિસર્જન કરીને સમાપન કરવામાં આવે છે.
મોદીએ સ્વાતંત્ર્ય સેનાની બાલગંગાધર તિલકને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે તિલકે બ્રિટિશ શાસન વખતે જનજાગૃતિ ઊભી કરવા માટે ગણેશોત્સવની શરૂઆત કરાવી હતી.
મોદીએ કહ્યું કે આજે દુકાળ, પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતો આવે છે એને માટે માનવજાત પોતે જ જવાબદાર છે, કારણ કે એ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે એનું આ પરિણામ છે.
દેશમાં કેટલાક સ્થળોએ સારો વરસાદ પડ્યાના સમાચાર છે તો કેટલેક સ્થળે પૂર આવ્યા છે તો કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો નથી. આમાં દોષ ઈશ્વરનો નથી, પણ આપણો, માનવજાતનો છે. આપણે કુદરત સાથે ખેલ રમીએ છીએ અને એને કારણે કુદરત કેટલીક વાર રોષે ભરાય છે.