નવી દિલ્હી- નક્સલીઓ ઉપરાંત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન પણ હવે આતંકી પ્રવૃત્તિ માટે બાળકોને આતંકની આગમાં હોમી રહ્યાં છે. આ વાતની જાણકારી રાજ્યસભામાં ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજિજૂએ એક પ્રશ્નના જવાબમાં આપી હતી. જોકે વધુમાં ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું કે, હજી સુધી એ જાણકારી સામે નથી આવી કે નક્સલી અથવા આતંકી સંગઠનોએ બાળકોનો ઉપયોગ માનવ બોમ્બ તરીકે કર્યો હોય.રાજ્યસભામાં ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજિજૂએ જણાવ્યું કે, નક્સલ પ્રભાવિત રાજ્યોમાં નક્સલીઓ નાના ગામડાઓના બાળકોને મુખ્ય ટાર્ગેટ બનાવી, બાળકોનું બ્રેઈન વોશ કરી પોતાની લડાઈ સાથે જોડી રહ્યાં છે. જેમાં ઝારખંડ, બિહાર અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.
ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજિજૂએ એમ પણ જણાવ્યું કે, માત્ર નક્સલીઓ જ નહીં પરંતુ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન પણ બાળકોને તેમના સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યું છે. જોકે, અત્યાર સુધીમાં માનવ બોમ્બ બનાવવા માટે બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી માહિતી સામે આવી નથી.
કિરણ રિજિજૂએ સંસદમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ ખતરનાક ટ્રેન્ડને રોકવા કેન્દ્ર સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. ઉપરાંત નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સ્કૂલના અભ્યાસથી લઈને બાળકોના વ્યક્તિત્વ વિકાસ પર સરકાર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જેથી બાળકોને આતંકી પ્રવૃત્તિમાં જોડાતા અટકાવી શકાય.