નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓને લઈને છેલ્લા 10 દિવસથી ધરણાં પર બેસેલા ખેડૂતોની સાથે કેન્દ્ર સરકારની શનિવારે પાંચમા દોરની વાતચીતમાં કોઈ સમાધાન નથી નીકળ્યું. આજની બેઠકમાં સરકારે ખેડૂતો પાસે વધુ સમય માગ્યો છે. હવે નવ ડિસેમ્બરે સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચે ફરી એક વાતચીત 11 કલાકે થશે.
આ બેઠક પછી ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે તેઓ અમને નવ ડિસેમ્બરે એક પ્રસ્તાવ મોકલશે. અમે આપસમાં આ મુદ્દે ચર્ચા કરીશું. જે પછી એ દિવસે તેમની સાથે બેઠક કરવામાં આવશે. ખેડૂત નેતા બુટા સિંહે કહ્યું હતું કે અમે કાયદો રદ કરાવીને જ જંપીશું. એનાથી ઓછું અમને કંઈ ખપતું નથી.
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આજે 40 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની સાથે કેન્દ્રના કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, રેલવે, વેપાર અને ખાદ્યપ્રધાન પીયૂષ ગોયલ તથા વેપાર રાજ્યપ્રધાન સોમ પ્રકાશે વાતચીત કરી હતી.
ઓલ ઇન્ડિયા કિસાન સભાના બાલકરણ સિંહ બરારે કહ્યું હતું કે સરકારે સંશોધનનો જે પ્રસ્તાવ મૂક્યો હતો, એને અમે નહીં માનીએ. અમે ત્રણે કાયદા પરત કરાવીશું અને અમારી આઠ માગ છે, એને પૂરી કરાવીશું અને પછી આંદોલન પાછું લઈશું. આ ત્રણે કાયદા ખેતીને મૂડીવાદીઓને સોંપવાની તૈયારી છે.
સામે પક્ષે સરકારે પત્રકારો સાથે વાતચીતમાં કૃષિપ્રધાને કહ્યું હતું કે MSP છે અને રહેશે. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર હંમેશાં ખેડૂતોની સાથે છે. તેમણે કહ્યું હતું કે તેમણે ખેડૂતો પાસે નક્કર સૂચનો માગ્યાં છે. તેમણે ખેડૂતોને આંદોલનમાં ભાગ લઈ રહેલા વૃદ્ધો અને બાળકોને ઠંડીની સીઝનમાં ઘેર મોકલવા માટે અને દિલ્હીવાસીઓની પરેશાનીઓ ઓછી કરવા કહ્યું હતું.