માંસાહાર વર્જિત નહીં, પણ ગૌમાંસથી બચવું જોઈએઃ RSSના નંદકુમાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ પદાધિકારી જે. નંદકુમારે કહ્યું હતું કે માંસાહારનું સેવન કરવું એ વર્જિત નથી અને દેશમાં એના પર પ્રતિબંધ ના લગાવી શકાય. જોકે તેમણે ગોમાંસથી બચવા માટે સલાહ આપી હતી. દેશની વિવિધતા પર ચર્ચા અને ઉત્સવ મનાવવાની જરૂર છે અને કોઈ પણ સરકારી આદેશ ખાદ્ય પદાર્થની પસંદગી પર પ્રતિબંધ ના લગાવી શકે, એમ તેમણે કહ્યું હતું.

RSSની પાંખની સંસ્થા પ્રજ્ઞા પ્રવાહના પ્રમુખ નંદકુમારે એ પણ કહ્યું હતું કે આ તેમનો પોતાનો મત છે. તેમણે ગુવાહાટીમાં 20 સપ્ટેમ્બરે દેશની વિવિધતાના ઉત્સવ રૂપે ત્રિદિવસીય સંમેલન લોકમંથનના આયોજનની ઘોષણા કરી હતી અને સંવાદદાતાઓના સવાલના જવાબ આપ્યા હતા. તેમણે સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે આ સમારોહનું ઉદઘાટન જગદીપ ધનખડે કરશે, જેમાં પૂર્વોત્તરની સંસ્કૃતિ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. સંઘનાં વિવિધ સંગઠનો દ્વારા આયોજિત આ સંમેલનના સમાપન સમારોહના કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે સંબોધિત કરશે.

તેમણે કહ્યું હતું કે કેટલાંક વિરોધી તત્ત્વો દેશની એકતાની સામે ભારે ઝુંબેશ ચલાવી રહ્યાં છે. અમે સંમેલનમાં અમારી એકતાને મજબૂત કરવાવાળી વિવિધતાનો ઉત્સવ ઊજવવા ઇચ્છીએ છીએ.દેશમાં વિભિન્ન પ્રકારનાં ખાનપાનની આદત હોવાથી સંઘ અને અન્ય ભગવા સંગઠનો લોકો પર પોતાની પસંદ થપવાના આરોપ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે માંસાહાર વર્જિત નથી અને ના એના પર પ્રતિબંધ લગાવી શકાય છે.