શ્રીનગર- જમ્મુ કશ્મીરમાં ભાજપ અને પીડીપીનું ગઠબંધન તૂટ્યા બાદ રાજ્યમાં રાજ્યપાલ શાસનની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. રાજ્યપાલ શાસનની તૈયારીઓ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર શરુ થઈ ગયો છે. બીજી તરફ જમ્મુ-કશ્મીર રાજ્યના ભવિષ્ય અંગેના કેટલાક મોટા નિર્ણયોની તૈયારી પણ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જમ્મુ-કશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થવાની સાથે આતંકીઓ સામે સેનાના ઓપરેશન અને પથ્થરબાજો સામેની કાર્યવાહીમાં નવો વેગ આવી શકે છે.મળતી માહિતી મુજબ કશ્મીરમાં અમરનાથ યાત્રા પહેલાં આતંકીઓ વિરુદ્ધ મોટું આપરેશન ચલાવવામાં આવી શકે છે. જેના માટે સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કશ્મીર પોલીસ દક્ષિણ કશ્મીરના કેટલાક જિલ્લાઓમાં મોટાપાયે ઝુંબેશ ચલાવવાની તૈયારી કરી રહ્યાં છે.
એવું માનવામાં આવે છે કે, સેનાના જવાન ઔરંગઝેબ અને પત્રકાર શુજાત બુખારીની હત્યા બાદ સેના દક્ષિણ કશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીને અંજામ આપી શકે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ‘ઓપરેશન કિલ ટોપ કમાન્ડર’ અને ‘ઓપરેશન ઓલ આઉટ’ જેવી કેટલીક નવી કાર્યવાહી પણ શરુ કરવામાં આવી શકે છે.
પથ્થરબાજો પર કાર્યવાહીમાં કોઈ રાજકીય રુકાવટ નહીં
સૈન્યની આ કામગીરી ઉપરાંત દક્ષિણ કશ્મીરમાં પથ્થરબાજો સામે મોટી કાર્યવાહી કરવામાં એવી પણ શક્યતા છે. ભૂતકાળ તપાસવામાં આવે તો, એ જોઈ શકાય છે કે, વર્ષ 2016ની હિંસા દરમિયાન કશ્મીરમાં ભાજપ-પીડીપીની સરકાર હતી ત્યારે નવ હજારથી વધુ પથ્થબાજો ઉપર કેસ નોંધવામાં આવ્યા હતા. આ તમામ પથ્થરબાજોમાં મોટાભાગના સ્થાનિક યુવાનો હતા. જેની દક્ષિણ કશ્મીરથી ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડના કેટલાક મહિનાઓ બાદ રાજ્યની મહેબુબા સરકારે મોટાભાગના પથ્થરબાજો પરથી કેસ પાછા ખેંચી લીધા હતા. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, યુવાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. જ્યારે વિરોધ પક્ષોએ એવો આરોપ લગાવ્યો હતો કે, મહેબુબાએ શ્રીનગર અને અનંતનાગમાં પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને જનતાનો ટેકો મેળવવા પથ્થરબાજો પરના કેસ પડતા મુક્યા હતા.
મહેબૂબા મુફ્તી સરકારના આ નિર્ણય બાદ ભારતીય જનતા પાર્ટીને અનેક મોરચે વિરોધ અને નિંદાઓનો સામનો કરવો પડ્યો હતો. જેથી આવી પરિસ્થિતિમાં જો રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવે તો 2019ની લોકસભા ચૂંટણી સુધી પથ્થરબાજો ઉપર કાર્યવાહી કરવામાં કોઈ રાજકીય હસ્તક્ષેપ અવરોધરુપ નહીં બને. સાથે જ આ પ્રકારના નિર્ણયથી ભારતીય જનતા પાર્ટીને દેશમાં તેનો લાભ પણ મળી શકે છે.