કેજરીવાલે લેફ્ટેનન્ટ ગવર્નરના નિવાસે કરેલા ધરણા 9મા દિવસે પાછા ખેંચ્યા

નવી દિલ્હી – દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લેફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલના સત્તાવાર નિવાસસ્થાને આદરેલા ધરણા આજે 9-દિવસ બાદ પાછા ખેંચી લીધા છે.

Arvind Kejriwal calls off 9-day sit-in at LG house

આઈએએસ અધિકારીઓ આમ આદમી પાર્ટીની સરકારના પ્રધાનો સાથેની બેઠકો બાદ એમની ફરજ પર હાજર થયા હતા. આ જાણકારી નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ પત્રકારોને આપી હતી.

સનદી અધિકારીઓ સાથે બેઠક યોજી સરકાર અને અધિકારીઓ વચ્ચેના મતભેદો દૂર કરવાની બૈજલે કેજરીવાલને લેખિતમાં જણાવ્યા બાદ બેઠકો શરૂ થઈ હતી.

સરકારના પ્રધાનો અને અઘોષિત બહિષ્કાર આંદોલન પર ઉતરેલા આઈએએસ અધિકારીઓ વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી.

Arvind Kejriwal calls off 9-day sit-in at LG house
લેફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથે કેજરીવાલ

ગયા ફેબ્રુઆરીમાં ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ પર કરવામાં આવેલા કથિત હુમલા સામેના વિરોધમાં સનદી અધિકારીઓ ‘આપ’ સરકારની વિરુદ્ધમાં બહિષ્કારના આંદોલન પર ઉતર્યા હતા.

અધિકારીઓને ફરજ પર પાછા ફરવાનો લેફ્ટેનન્ટ ગવર્નર આદેશ આપે એવી માગણી પર દબાણ લાવવા માટે કેજરીવાલ એમના ત્રણ સાથી પ્રધાનો – મનીષ સિસોદીયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય બૈજલના સત્તાવાર નિવાસસ્થાન રાજનિવાસ ખાતે ભૂખહડતાળ પર ઉતર્યા હતા.

અધિકારીઓને સલામતીની કેજરીવાલે આપેલી ખાતરીને અધિકારીઓએ આવકાર આપ્યો છે અને કહ્યું છે કે તેઓ એમની સાથે આ મુદ્દે વિધિસર મંત્રણા કરવા તૈયાર છે.