જમ્મુ-કશ્મીર: રાજ્યપાલ શાસન લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

શ્રીનગર- જમ્મુ કશ્મીરમાં મહેબૂબા મુફ્તી સરકારના પતન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાજ્યમાં રાજ્યપાલ શાસનને મંજૂરી આપી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ ગતરોજ રાજ્ય સરકારને આપેલો પોતાનો ટેકો પાછો ખેચી લીધો હતો, ત્યારબાદ અલ્પમતમાં આવેલી મહેબૂબા મુફ્તી સરકારે રાજ્યપાલ એન.એન. વોહરાને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.ઉલ્લેખનીય છે કે, મહેબૂબા મુફ્તીના રાજીનામા બાદ ઉમર અબ્દુલ્લાએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. જોકે જમ્મુ-કશ્મીરમાં નવી સરકાર બનાવવા અંગે કોઈ સ્થિતિ નહીં જણાતા રાજ્યપાલે રાષ્ટ્રપતિને રાજ્યપાલ શાસન લાગૂ કરવા ભલામણ મોકલી આપી હતી.

આપને જણાવી દઈએ કે, મંગળવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જમ્મુ-કશ્મીરના ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ભાજપે મુફ્તી સરકારને આપેલું પોતાનું સમર્થન પાછું ખેચવાની જાહેરાત કરી હતી.

ગતરોજ ભાજપના નેતા રામ માધવે પીડીપીને આપેલું સમર્થન પાછું ખેચવાની જાહેરાત કરતા જણાવ્યું કે, ‘છેલ્લા કેટલાંક દિવસોથી કશ્મીરમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે જેના લીધે અમારે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. રામ માધવે વધુમાં જણાવ્યું કે, આ સંદર્ભમાં વડાપ્રધાન મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. સરકારના પતન બાદ ભાજપે જમ્મુ-કશ્મીરમાં રાજ્યપાલ શાસનની માગ કરી હતી. જે આજે લાગૂ કરવામાં આવ્યું છે.