મુંબઈઃ દેશના રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના પોલીસ વહીવટીતંત્રના સ્પેશિયલ સેલના અધિકારીઓએ દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈના ન્હાવા શેવા બંદર ખાતેથી આજે પ્રતિબંધિત કેફી દ્રવ્ય હેરોઈનનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 1,725 કરોડ થવા જાય છે.
ન્હાવા શેવા બંદર ખાતે એક કન્ટેનરમાંથી હેરોઈન કેફી પદાર્થ લગાડેલા લિકરીશ (જેઠીમધ) જડીબુટ્ટીનો 22 ટનથી પણ વધારે વજનનો જથ્થો જપ્ત કર્યો હતો. લિકરીશના મૂળમાં ગ્લિસરાઈઝીન નામનું તત્વ હોય છે જે વધુપ્રમાણમાં ખવાઈ જાય તો આડઅસરો ઊભી થાય છે. આ જડીબુટ્ટી યૂરોપ અને એશિયાના ભાગોમાં ઉગે છે.
આ કન્ટેનર દિલ્હી મોકલવામાં આવનાર હતું. આ માલ-જપ્તી દર્શાવે છે કે ભારતમાં નાર્કોટિક્સનો આતંકવાદ કેટલી વ્યાપક રીતે ફેલાવવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય બદમાશો કેફી પદાર્થોને ભારતમાં ઘૂસાડવા માટે જુદી જુદી રીત અજમાવે છે, એમ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના વડા એચ.જી.એસ. ધાલીવાલે કહ્યું છે. હેરોઈનનો આ જથ્થો અંદાજે 345 કિલોગ્રામ વજનનો છે.