નવી દિલ્હીઃ હરિયાણામાં સતત બે વાર સરકાર ચલાવ્યા પછી ભાજપે ત્રીજી વાર સત્તા હાંસલ કરી છે. જેથી ભાજપે સરકાર બનાવવાની કવાયત તેજ કરી દીધી છે, પણ હવે CM પદના ચહેરાને લઈ ભારે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. આ શપથગ્રહણ માટે 17 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે. એ પહેલાં 16 ઓક્ટોબરે પાર્ટીના વિધાનસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં વિધાનસભ્યોના નવા નેતા ચૂંટવામાં આવશે. ગૃહપ્રધાન અમિત શાહ અને મધ્ય પ્રદેશના CM મોહન યાદવને પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે.
હરિયાણા વિધાનસભાની ચૂંટણી ભાજપે રાજ્યની 90 બેઠકોમાંથી 48 બેઠકો જીતી છે. ભાજપે નાયબ સિંહ સૈનીના દમ પર આ ચૂંટણી લડી છે, તેમ અમિત શાહે પંચકૂલાની એક ચૂંટણી સભામાં કહ્યું હતું. આવી સ્થિતિમાં સૈનીને CM બનાવવાની સંભાવના વધુ છે.
જોકે ભાજપના ઘણા નેતાઓ CM બનવા મથામણ કરી રહ્યા છે. એ દાવેદારોમાં અંબાલા કેન્ટથી સાતમી વખત ધારાસભ્ય બનેલા અનિલ વિજ અને કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજિત સિંહ નો પણ સમાવેશ થાય છે
વાસ્તવમાં ભાજપને ડર છે કે, અનિલ વિજ સૈનીના નામનો વિરોધ કરી શકે છે. આ પહેલાં મનોહરલાલ ખટ્ટરને CM પદેથી હટાવી નાયબ સિંહ સૈનીને CM બનાવવામાં આવતાં વિજે વાંધો ઉઠાવ્યો હતો. તે વખતે વીજ ધારાસભ્ય દળની બેઠક અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા. આ ઉપરાંત તેઓ સૈનીના મંત્રીમંડળમાં પણ સામેલ થયા ન હતા. થોડા દિવસો પહેલાં વિજે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ એવા અહેવાલો સામે આવ્યા હતા કે વીજે CM પદ માટે દાવો કર્યો છે.
કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજિત સિંહે પણ CMપદ પર દાવો કર્યો છે. સિંહે દાવો કર્યો છે કે અહીરવાલ બેલ્ટના કારણે જ રાજ્યમાં ભાજપની સરકાર બને છે. આ વખતે પણ અહીરવાલમાં ભાજપે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભાજપે અહીની કુલ 11 બેઠકોમાંથી 10 બેઠકો જીતી છે. આ પહેલાx વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે માત્ર આઠ બેઠકો જીતી હતી.
CM પદના દાવેદારોને સંતુષ્ટ કરવાની સાથે-સાથે મંત્રીમંડળમાં સ્થાનની માગ કરી રહેલા નેતાઓને મનાવવા પણ ભાજપ માટે મોટો પડકાર હશે. હાલ હરિયાણા ભાજપમાં ઘણાં જૂથો કામ કરી રહ્યાં છે. દરેક જૂથ કેબિનેટમાં જગ્યા મેળવવા ધમપછાડા કરી રહ્યા છે, તેથી ભાજપ માટે હરિયાણાનું મેદાન પડકારજનક બને એવી શક્યતા છે.