નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર નિયુક્ત ઔષધિ નિયામક સંસ્થા ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા દેશની ચોક્કસ સરકાર સંચાલિત લેબોરેટરીઓને જણાવવામાં આવ્યું છે કે આવતી 1 જૂનથી કફ સિરપની નિકાસ કરાય એ પહેલાં એનાં નમૂનાઓ ઉત્પાદકો પાસેથી મગાવી એનું ટેસ્ટિંગ કરવું ફરજિયાત રહેશે. સાથોસાથ, ટેસ્ટિંગનો રિપોર્ટ વહેલી તકે ઈશ્યૂ કરી દેવાનું પણ લેબોરેટરીઓને જણાવવામાં આવ્યું છે.
કફ સિરપ નિકાસકારોએ આવતી 1 જૂનથી અમલમાં આવે એ રીતે, એમના પ્રોડક્ટની નિકાસ કરાય એ પહેલાં સરકારી લેબોરેટરી દ્વારા ઈશ્યૂ કરાયેલું એનાલિસિસ સર્ટિફિકેટ સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરવાનું રહેશે. આ જાણકારી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા એક નોટિફિકેશનમાં પણ જણાવવામાં આવ્યું છે. ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા નિકાસ કરાયેલા કફ સિરપોમાં ગુણવત્તાના મામલે ઘણો ઉહાપોહ થયા બાદ કેન્દ્ર સરકારે એવા સિરપની નિકાસ કરતા પહેલાં એનું ફરજિયાત ટેસ્ટિંગ કરાવવાનું નક્કી કર્યું છે.
ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં કદની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો નંબર ત્રીજો છે, પણ મૂલ્યની દ્રષ્ટિએ 14મો છે.