નવી દિલ્હી: છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલી હિંસા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓ 23 વર્ષીય યુવક સહિત પાંચ લોકોને રાષ્ટ્રગીત ગાવા પર મજબૂર કરી રહ્યા છે. વિડિયોમાં દેખાઈ રહેલા 23 વર્ષીય યુવકનું ગુરુવારે મૃત્યુ થઈ ગયું. યુવકનું નામ ફૈઝાન છે અને તે ઉત્તર પૂર્વ દિલ્હીના કરદમપુરી વિસ્તારનો રહેવાસી હતો. તેમના પરિવારજનોનો આરોપ છે કે, પોલીસે તેમની ધરપકડ કરીને તેમની સાથે મોરાપીટ કરી. સીએએને લઈને થયેલી હિંસમાં અત્યાર સુધીમાં દિલ્હીમાંથી 42 લોકોના મોત થઈ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
વિડિયોમાં પાંચ લોકો ખરાબ રીતે ઘાયલ હાલતમાં રસ્તા પર પડેલા જોવા મળી રહ્યા છે અને સાથે રાષ્ટ્રગીત ગાતા દેખાઈ રહ્યા છે. આ પાંચેય લોકોની ફરતે પોલીસકર્મીઓ ઉભેલા દેખાઈ છે. જેમાંથી બે પોલીસકર્મીઓ આ લોકોના ચહેરા તરફ લાકડી લઈ જતા કહે છે કે, ‘વ્યવસ્થિત રીતે રાષ્ટ્રગીત ગાઓ’. ફેક ન્યૂઝ ચેકિંગ વેબસાઈટ AltNews એ આ વિડિયોની ખાતરી કરી છે. દિલ્હીની ગુર તેગ બહાદુર હોસ્પિટલમાં ફૈઝાનને ગુરુવારે મૃત જાહેર કરવામાં આવ્યો.
ફૈઝાનની માતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ફૈઝાન અને અન્ય યુવકોને ખરાબ રીતે મારવામાં આવ્યા. ફૈઝાનના બંને પગ ભાંગી ગયા હતા. માર મારવાને કારણે તેમનું આખું શરીર કાળું પડી હયું હતું. પહેલા ફૈઝાનને રસ્તા પર મારવામાં આવ્યો અને પછી પોલીસ તેમને સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ.
ફૈઝાનને પોલીસે છોડી દીધા પછી તેના પરિવાર જનો તેને એક સ્થાનીક ડોક્ટર પાસે લઈ ગયા હતા. કદમપુરીમાં ક્લિનીક ચલાવનારા એક ડોક્ટર ખાલિક અહમદ શેરવાનીએ જણાવ્યું કે, જ્યારે ફૈઝાનને અહીં લાવવામાં આવ્યો ત્યારે તેમની માતાએ જણાવ્યું કે, પોલીસે તેમને માર માર્યો છે અને બે દિવસ પછી તેને પોલીસ સ્ટેશનમાંથી છોડવામાં આવ્યો હતો. ડોક્ટરે કહ્યું કે ફૈઝાનનું બ્લડ પ્રેશર અને પલ્સ ખૂબ જ લો હતા. તેમના માથા પર પણ ઈજા થઈ હતી અને તેમનો પીઠ ઈજાને કારણે લીલી થઈ ગઈ હતી.