કોલકાતા: સીએએના મુદ્દે સરકાર પર સતત હુમલો કરી રહેલા વિપક્ષી દળો વચ્ચે તિરાડ પડી હોય તેવા સંકેત મળી રહ્યા છે. સોનિયા ગાંધીના નેતૃત્વમાં 13 જાન્યુઆરીએ દિલ્હીમાં આયોજીત વિપક્ષી દળોની બેઠકમાં મમતા બેનર્જીએ ભાગ લેવાની મનાઈ કરી દીધી છે. મમતા બેનર્જીએ બંગાળ વિધાનસભામાં કહ્યું કે, કોંગ્રેસ અને વામ દળોએ બુધવારે બંધ દરમ્યાન રાજ્યમાં ઉપદ્રવ મચાવ્યો જેના વિરોધમાં અમે કોંગ્રેસ તરફથી આયોજીત બેઠકમાં ભાગ નહીં લઈએ. સાથે જ મમતાએ કહ્યું કે, સીએએ, એનસીઆર, એનપીઆર વિરુદ્ધ અમારી લડત ચાલુ રહેશે પણ બંધ અને હિંસક પ્રદર્શનોને અમે સમર્થન નહીં કરીએ.
ઉલ્લેખનીય છે કે, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે પણ ટ્રેડ યૂનિયનોની 24 કલાકની દેશવ્યાપી હડતાળના સમર્થન માટે કોંગ્રેસ અને વામ દળો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જેનું રાજકીય સ્તર પર કોઈ અસ્તિત્વ નથી તેવા લોકો હડતાળ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ લોકો બંધ જેવી હલ્કી કક્ષાની રાજનીતિ કરીને અહીંની અર્થવ્યવસ્થાને બર્બાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બેનર્જીએ કહ્યું હતું કે, તે બંધના ઈરાદાનું સમર્થન કરે છે, પણ તેમની પાર્ટી અને સરકાર કોઈ પણ પ્રકારના બંધના વિરોધમાં છે.
મહત્વનું છે કે, કેન્દ્રની આર્થિક નીતિઓ, સંશોધિત નાગરિકતા કાયદો અને પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી એનઆરસીના વિરોધમાં અનેક સંગઠનોએ બુધવારે ભારત બંધનું એલાન કર્યું હતું. બુધવારે સવારે જ કોલકાતાની કેટલાક વિસ્તારોમાં હિંસાની ખબરો સામે આવી હતી. ઉત્તરી 24 પરગના જિલ્લામાં વામ સમર્થકોએ ટ્રેડ યૂનિયનો દ્વારા હડતાળનું આહવાનનું સમર્થન કરવા માટે સવારે ‘રેલ રોકો’ વિરોધનું આયોજન કર્યું હતું. રેલવે પોલીસે જણાવ્યું હતું કે પાટા પરથી દેશી બોમ્બ પણ મળ્યા હતા.
