મુંબઈમાં અઢી કલાક સુધી વીજળી વેરણ રહી

મુંબઈઃ મહાનગર મુંબઈ, ઉપનગરો, પડોશના નવી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં આજે સવારે પાવર ગ્રીડમાં મોટી ટેકનિકલ ખામી ઊભી થતાં લગભગ 10 વાગ્યાથી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. એને કારણે કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવા વચ્ચે રહેવાસીઓને નવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈ તથા પડોશના વિસ્તારોને વિદ્યુત પુરવઠો પૂરો પાડતી લાઈનો અને ટ્રાન્સફોર્મર (કળવા-પેડઘે અને ખારઘર આઈસીટી)માં ટ્રિપિંગ થયું હતું. એને કારણે મુંબઈમાં 360 મેગાવોટની સપ્લાય અટકી ગઈ હતી. સમસ્યા રાષ્ટ્રીય ગ્રીડમાં નહીં, પણ મહારાષ્ટ્રના ગ્રીડમાં આવી હતી. ગયા શનિવારે કળવા-પેડઘેની એક લાઈનમાં ફોલ્ટ ઊભો થયો હતો. એક સર્કિટ પર સમારકામ ચાલુ હતું એટલે બધો લોડ બીજી સર્કિટ પર આવી ગયો હતો. એમાં બાકીની લાઈનો ઓવરલોડ થઈ ગઈ હતી તેથી મુંબઈ, થાણે, પાલઘર, નવી મુંબઈમાં વીજપુરવઠો ખંડિત થયો હતો.

ટાટા પાવર કંપનીના ગ્રીડમાં મોટી ટેકનિકલ ખામી ઊભી થતાં ટ્રેક્શન પાવર પણ ખંડિત થતાં લોકલ ટ્રેનો પણ જ્યાં હતી ત્યાં જ અટકી ગઈ હતી, પરિણામે નોકરી, કામકાજ માટે નીકળેલા આવશ્યક સેવાઓના કર્મચારીઓ પણ ખરાબ રીતે અટવાઈ ગયાં હતાં. અમુક સ્થળે ટ્રેનો અધવચ્ચે અટકી જતાં પ્રવાસીઓને ઉતરી જઈને પાટા પર ચાલીને સ્ટેશને જવું પડ્યું હતું.

મુંબઈમાં જૂના વિસ્તારો તથા ઉપનગરોમાં ટાટા પાવર તથા અદાણી ઈલેક્ટ્રિસિટી કંપનીઓ વિદ્યુત પુરવઠાનું વિતરણ કરે છે.

બપોરે 12.30થી વીજ-સપ્લાય ધીમે ધીમે પ્રસ્થાપિત થવાનું શરૂ થયું હતું. પહેલાં દક્ષિણ મુંબઈમાં વીજળી પાછી આવી હતી અને ત્યારબાદ દોઢ-બે વાગ્યા સુધીમાં ઉત્તર મુંબઈના લોકોને પણ નિરાંત થઈ હતી.

વીજપુરવઠો ખંડિત થવાથી બંધ પડેલી લોકલ ટ્રેનો પણ ત્યારબાદ ફરી પાટા પર દોડતી થઈ હતી.

સવારે અચાનક વીજળી ચાલી જતાં રહેવાસીઓ પરેશાન થઈ ગયાં હતાં. ધીમે ધીમે ખબર પડી હતી કે માત્ર એક બિલ્ડિંગમાં કે એક એરિયામાં નહીં, પણ સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

વીજ-સપ્લાય બંધ થતાં જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના ઊર્જા પ્રધાન નીતિન રાઉત સાથે ફોન પર ચર્ચા કરી હતી. તાબડતોબ રાઉત ઉપરાંત સરકારી યંત્રણાઓએ ટ્વિટર મારફત જાણકારી આપી હતી કે ગ્રીડમાં ખામી ઊભી થવાથી વીજપુરવઠો ખોરવાયો છે અને એને પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો ચાલુ છે.

હોસ્પિટલોમાં ઈલેક્ટ્રિક સપ્લાય અવિરત ચાલુ રહે એ માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે પણ એ માટે તાબડતોબ જરૂરી સૂચનાઓ આપી હતી.

વીજપુરવઠો ખંડિત થવાના સમયગાળામાં કોઈ અકસ્માત સર્જાય નહીં એ માટે અગ્નિશામક દળ તથા પોલીસ કન્ટ્રોલ રૂમને પણ સતર્ક રહેવાના રાજ્યના મુખ્ય સચિવ તથા મંત્રાલયમાંથી જરૂરી આદેશો આપવામાં આવ્યા હતા.

મુંબઈ મહાનગરપાલિકાએ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો મદદરૂપ થવા માટે નાગરિકોજોગ હેલ્પલાઈન નંબરો ઈસ્યૂ કર્યા હતા.

વીજપુરવઠો ખંડિત થવાની ઘટનામાં તપાસનો આદેશ

દરમિયાન, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સાથી ઊર્જા પ્રધાન નીતિન રાઉતને આદેશ આપ્યો છે કે ‘મુંબઈ મહાનગર ક્ષેત્ર (MMR)માં આજે વીજળી કેમ જતી રહી હતી? આની તાત્કાલિક તપાસ કરાવો અને ભવિષ્યમાં આવું ફરી બને નહીં એ માટે સતર્કતા લેવી રહી.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]