નવી દિલ્હીઃ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આના માટેની તૈયારીઓ લગભગ પૂરી થઈ ચૂકી છે. આ વચ્ચે NCP-શિવસેના-કોંગ્રેસ ના વરિષ્ઠ નેતાઓની છ કલાક સુધી થયેલી મેરાથોન બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં માત્ર એક જ ડેપ્યુટી સીએમ હશે, અને તે પણ NCP માંથી. બેઠક બાદ NCP નેતા પ્રફુલ પટેલે પત્રકારોને જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકાર બનાવામાં હવે કોઈ શંકા નથી. ત્રણેય પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં એક જ ડેપ્યુટી સીએમ હશે અને તે એનસીપીના હશે. આ સીવાય કોંગ્રેસને સ્પીકર પદ આપવા પર સહમતિ બની છે. પ્રફુલ પટેલે કહ્યું કે, ગુરુવારના રોજ ઉદ્ધવ ઠાકરે સાથે દરેક પાર્ટીના એક-બે મંત્રી શપથ લેશે.
પ્રાપ્ત વિગતો અનુસાર NCP નેતા અજીત પવારને એકવાર ફરીથી ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવી શકે છે અને તેમને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ભાજપ સરકારમાં ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા બાદ તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના 18 મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તેઓ મનોહર જોશી અને નારાયણ રાણે બાદ આ પદ પર બેસનારા શિવસેનાના ત્રીજા નેતા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરના રોજ જાહેર થવાના એક મહિના બાદ ઉદ્ધવ ઠાકરે આજે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહ માટે શિવાજી પાર્ક અને તેની આસપાસ સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી છે. શિવસૈનિકોનો શિવાજી પાર્ક સાથે ભાવનાત્મક લગાવ રહ્યો છે, જ્યાં પાર્ટીના સંસ્થાપક સ્વર્ગસ્થ બાલા સાહેબ ઠાકરે દશેરા રેલીને સંબોધિત કરતા હતા. બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ પણ આ પરંપરા ચાલુ રાખી. બાલ ઠાકરેના અંતિમ સંસ્કાર પણ શિવાજી પાર્કમાં જ કરવામાં આવ્યા હતા, જેને શિવસૈનિક “શિવતીર્થ” કહે છે. શપથ ગ્રહણ સમારોહમાં વિભિન્ન પાર્ટીઓના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.