નવી દિલ્હીઃ કોંગ્રેસને મોટો ઝાટકો આપતા પાર્ટીના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. સિંધિયાની સાથે જ તેમના સમર્થકો પાર્ટીના 21 જેટલા ધારાસભ્યોના રાજીનામાથી રાજ્યની કમલનાથ સરકાર પર સંકટના વાદળો મંડરાવા લાગ્યા છે. કોંગ્રેસ છોડનારા 49 વર્ષીય સિંધિયા કેન્દ્રમાં સત્તારુઢ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. તેમના દાદી સ્વર્ગસ્થ વિજય રાજે સિંધિયા આ જ પાર્ટીમાં હતા. એવી અટકળો છે કે સિંધિયાને રાજ્યસભાની ટીકિટ આપવામાં આવી શકે છે અને તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવી શકે છે.
- કોંગ્રેસના ધારાસભ્યોને આજે જયપુરના બ્યૂના વિસ્ટા રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. કોંગ્રેસ ધારાસભ્યોને એરપોર્ટ પર લઈ જવા માટે ભોપાલમાં મુખ્યમંત્રીના ઘરે ત્રણ બસો તૈયાર કરવામાં આવી છે કે જ્યાંથી તેમને જયપુર રવાના થવાની શક્યતાઓ છે.
- કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને 9 માર્ચના રોજ લખેલા રિઝાઈન લેટરમાં સિંધિયાએ કહ્યું કે, તેમના માટે આગળ વધવાનો સમય આવી ગયો છે કારણ કે આ પાર્ટીમાં રહેતા હવે દેશના લોકોની સેવા કરવા માટે હું સક્ષમ નથી. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, તેમનો લેટર સોનિયા ગાંધીના ઘરે મળ્યો હતો.
- સિંધિયાએ પાર્ટી છોડતાની સાથે જ તેમના સમર્થક ધારાસભ્યોએ પણ રાજીનામાં આપવાનું શરુ કર્યું હોવાથી, મધ્ય પ્રદેશની કમલનાથની કોંગ્રેસ સરકારના અસ્તિત્વ પર સંકટ મંડરાવા લાગ્યું છે. વિધાનસભા અધ્યક્ષ એન પ્રજાપતિ જો 22 ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરી લે તો કોંગ્રેસ સરકાર અલ્પમતમાં આવી જશે.
- જો કે, હજી એ સ્પષ્ટ નથી કે અપક્ષ અને બસપા તેમજ સપાના ધારાસભ્યો કોંગ્રેસને સમર્થન યથાવત રાખશે કે પછી તે લોકો પણ ભાજપ સાથે જોડાઈ જશે. ભાજપના નેતાઓની એક ટીમે વિધાનસભા અધ્યક્ષ સાથે ભોપાલમાં મુલાકાત કરી અને કોંગ્રેસના 19 ધારાસભ્યોનું રાજીનામું સોપ્યું. આ ધારાસભ્યોને કર્ણાટકની રાજધાની બેંગ્લોરના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે કે જ્યાં ભાજપનું શાસન છે.
- હોળી મનાવવા માટે લખનઉ પહોંચેલા પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને કહ્યું કે, તેઓ મધ્યપ્રદેશમાં બદલતી રાજનૈતિક સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આ મામલો કોઈપણ નિર્ણય ભોપાલ પહોંચ્યા બાદ જ કરવામાં આવશે. ટંડને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ 12 માર્ચ સુધી રજા પર છે.
- સિંધિયાએ કોંગ્રેસ અધ્યક્ષાને લખેલા પત્રમાં કહ્યું કે, આજના ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ છેલ્લા એક વર્ષથી તૈયાર થઈ રહી હતી અને હવે તેમના માટે નવી શરુઆત કરવી તે સર્વશ્રેષ્ઠ છે. સિંધિયાએ પોતાના રિઝાઈન લેટરમાં કહ્યું કે, છેલ્લા 18 વર્ષથી કોંગ્રેસનો હું પ્રાથમિક સભ્ય રહ્યો છે. હવે મારા માટે આગળ વધવાનો સમય પાકી ગયો છે. હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું.
- પાર્ટીના ક્યારેક સ્ટાર ગણાતા સિંધિયા અને મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી. ડિસેમ્બર 2018 માં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસે કમલનાથને મુખ્યમંત્રી બનાવ્યા. જો કે સમસ્યા ત્યારે શરુ થઈ કે જ્યારે સિંધિયાના સમર્થકોની અવગણના કરવામાં આવી અને એવું લાગે છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનવાની તેમની મહત્વકાંક્ષા પણ નિષ્ફળ કરી દેવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ તેમની ફરિયાદો સાંભળવા માટે તૈયાર નહોતું.
- આ સપ્તાહના અંતમાં સિંધિયા અને કમલનાથ મંત્રીમંડળના છ મંત્રી બેંગ્લોર ગયા અને તેમની સાથે સંપર્ક થઈ રહ્યો નહોતો. બાદમાં સ્પષ્ટ થઈ ગયું કે પાર્ટીમાં બગાવત ચાલી રહી છે અને કમલનાથ સિંધિયાના વફાદાર ગણાતા 6 મંત્રીઓની સાથે અન્ય ધારાસભ્યોનું સમર્થન ખોઈ બેસશે.
- હોળીના દિવસે ચાલી રહેલા રાજનૈતિક ડ્રામાની અસર મધ્યપ્રદેશની બહાર પણ થશે. મધ્યપ્રદેશ ભાજપ અને કોંગ્રેસ બંન્ને માટે આ મહત્વપૂર્ણ છે. મધ્યપ્રદેશ હિંદી પટ્ટીના એ ત્રણ પ્રમુખ રાજ્યો પૈકી એક હતું કે જ્યાં કોંગ્રેસે વર્ષ 2019 માટે લોકસભા ચૂંટણી લડતા પહેલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તાથી બહારનો રસ્તો બતાવ્યો હતો. મધ્યપ્રદેશની સ્થિતિ જોતા એ સ્પષ્ટ છે કે કોંગ્રેસનું નેતૃત્વ પાર્ટીને એકજુટ રાખવામાં નિષ્ફળ રહ્યું કે અને પોતાના ઘણા ક્ષેત્રીય નેતાઓની પરસ્પર વિરોધી મહત્વકાંક્ષાઓને નિયંત્રિત કરવામાં અસમર્થ રહ્યું છે.