કોલકાતાઃ બંગાળમાં મમતા સરકારને સત્તા પરથી દૂર કરવા માટે વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપના એકમે પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નદિયા જિલ્લાના નવદ્વીપથી શનિવારે સાંજે પરિવર્તન યાત્રાને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. આ પ્રસંગે લોકોની ભીડ ઊમટી પડી હતી. આ પરિવર્તન યાત્રા પહેલાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે મમતા સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે બંગાળની જનતાએ પરિવર્તન નક્કી કરી લીધું છે. વર્ષ 2021માં વિધાનસભાની ચૂંટણી પછી બંગાળથી તૃણમૂલ કોંગ્રેસ જશે અને ભાજપ આવશે.
મમતા દીદીને મા, માટી અને માનુષની કદર નથી
તેમણે કહ્યું હતું કે મમતા દીદીએ પરિવર્તનના સૂત્ર સાથે મા, માટી અને માંનુષના શપથ લઈને 10 વર્ષ પહેલાં સત્તામાં આવી હતી, પણ 10 વર્ષમાં માને લૂટી લીધી, માટીનો અનાદર કર્યો છે અને માનુષની રક્ષા નથી કરી. બંગાળમાં મા, માટી અને માનુષની જગ્યાએ ટોળાબાજી, તુષ્ટીકરણ અને તાનાશાહએ જગ્યા લીધી છે. એટલે ભાજપે પરિવર્તન યાત્રા થકી બંગાળની જનતાને જગાડવાની ઝુંબેશ શરૂ કરી છે.
ભાજપાધ્યક્ષે કહ્યું હતું કે વડા પ્રધાનના નેતૃત્વમાં બંગાળમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. અહીં સુશાસન આવશે. બંગાળમાં મહિલા મુખ્ય પ્રધાન હોવા છતાં દેશમાં મહિલાઓ પર સૌથી વધુ અત્યાચાર બંગાળમાં થાય છે. દુષ્કર્મ અને ઘરેલુ હિંસા પણ સૌથી વધુ બંગાળમાં થાય છે. રાજ્યમાં પરિવર્તનની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.