જૂના કાયદાઓને નિષ્ક્રીય બનાવવા લોકસભાની મંજૂરી

નવી દિલ્હી- સંસદના શિયાળુ સત્રમાં દેશમાં વર્તમાનમાં અમલી 245 પ્રકારના જૂના અને તર્કસંગત નહીં જણાઈ રહેલાં કાયદાઓને નિષ્ક્રીય બનાવવા અથવા તેમાં પરિવર્તન કરી શકાય તે માટેના ખરડાને મંજૂરી આપવામાં આવી છે.

સંસદમાં ખરડાની ચર્ચા દરમિયાન જવાબ આપતા કેન્દ્રીય ન્યાય અને કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, જૂના અને તર્કસંગત નહીં જણાઈ રહેલાં કાયદાઓને નિષ્ક્રીય બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રથા શરુ કરવામાં આવી છે તે પણ એક પ્રકારનું સ્વચ્છતા મિશન છે.

દેશની આઝાદીને 70 વર્ષ થયા હોવા છતાં હજીપણ દેશમાં અંગ્રેજોના સમયના કાયદાઓ ચાલી રહ્યાં છે. વધુમાં પ્રસાદે કહ્યું કે, આ એવા કાયદાઓ છે જે આઝાદીના સમયે ક્રાંતિકારીઓના આંદોલનને દબાવવા માટે બનાવવામાં આવ્યા હતા. મોદી સરકાર આ જૂના કાયદાઓને સમાપ્ત કરવાની પહેલ કરી રહી છે.

રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, દેશમાં કાયદો બનાવવો એ સંસદનું કામ છે. ઉપરાંત ક્યો કાયદો ચાલશે અથવા નહીં ચાલે એ પણ સંસદ જ નક્કી કરે છે. આ સંસદનો અધિકાર છે, અમે તેમાં કોઈ હસ્તક્ષેપ કરી શકીએ નહીં. આ અંગે અમે બધા જ રાજકીય પક્ષો સાથે ચર્ચા પણ કરી છે.

પ્રસાદના જવાબ બાદ સંસદમાં ખરડો પસાર કરવામાં આવ્યો. રિવોકેશન એન્ડ એમેન્ડમેન્ટ બિલ-2017 અંતર્ગત 104 જૂના કાયદાને સમાપ્ત કરવાનો જ્યારે રિવોકેશન એન્ડ એમેન્ડમેન્ટ બિલ (દ્વિતિય) પ્રમાણે 131 જૂના અને તર્કસંગત નહીં જણાઈ રહેલાં કાયદાઓને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, વર્ષ 2014માં પીએમ મોદીએ કેન્દ્રમાં સત્તાનું સુકાન સંભાળ્યા બાદ ગત ત્રણ વર્ષોમાં 1200 જેટલાં જૂના કાયદાઓ સમાપ્ત કર્યાં છે.