ટ્રિપલ તલાક ખરડો લોકસભામાં 303-82 મતોથી પાસ થયો; મોદી સરકારની મોટી જીત

નવી દિલ્હી – લોકસભા અથવા સંસદના ઉપલા ગૃહે ખૂબ જટિલ એવા ટ્રિપલ તલાક ખરડાને મૌખિક મતદાન દ્વારા પાસ કરી દીધો છે. ખરડો પાસ થયો એ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ-એનડીએ સરકારની બીજી મુદતમાં મોટી જીત છે. મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) બિલની તરફેણમાં 303 મત પડ્યા હતા અને વિરુદ્ધમાં 82 મત પડ્યા હતા.

મુસ્લિમ સમાજમાં પુરુષોને ત્રણ વાર તલાક શબ્દ બોલીને એમની પત્નીઓને છૂટાછેડા આપી દેવાની છૂટવાળી પ્રથાનો અંત લાવવાની અને કાયદાનો ભંગ કરનાર મુસ્લિમ પુરુષને અપરાધી જાહેર કરી એને જેલની સજા કરવાની આ ખરડામાં જોગવાઈ છે.

આ ખરડો તીન તલાક અથવા ઈન્સ્ટન્ટ તલાકને ગેરકાયદેસર ગણાવે છે. આ કાયદો જ્યારે લાગુ થશે ત્યારે એનો ભંગ કરનાર મુસ્લિમ પતિને 3 વર્ષ સુધીની જેલની સજા થશે.

ગૃહમાં આજે આ ખરડા પર ચર્ચા યોજવામાં આવી હતી અને શાસક ભાજપ તેમજ વિરોધ પક્ષો વચ્ચે ખૂબ દલીલબાજી થઈ હતી.

ટ્રિપલ તલાક ખરડો કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે રજૂ કર્યો હતો, જેનો વિરોધ પક્ષોએ વિરોધ કર્યો હતો.

વિરોધ પક્ષોના આક્રમણની આગેવાની કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી અને તૃણમુલ કોંગ્રેસના ડેરેક ઓબ્રિયાને લીધી હતી.

ભાજપના સહયોગી પક્ષ જનતા દળ (યુનાઈટેડ)એ ખરડાની વિરુદ્ધમાં મત આપ્યો હતો.

કોંગ્રેસના સભ્યો બાદમાં સભાત્યાગ કરી ગયા હતા.

હવે આ ખરડો રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભામાં ભાજપની બહુમતી છે જ્યારે રાજ્યસભામાં ન હોવાથી ત્યાં એને આ ખરડો પાસ કરાવવામાં તકલીફ પડી શકે છે.

ટ્રિપલ તલાક પ્રથા પર હાલ ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ એક વટહૂકમ દ્વારા લાગુ કરાયો છે, કારણ કે આને લગતો જ એક ખરડો 16મી લોકસભામાં પાસ કરી શકાયો નહોતો.