ઈસરો વૈજ્ઞાનિકોનો પત્ર: અમે અત્યંત આશ્ચર્યમાં છીએ અને દુ:ખી પણ…

નવી દિલ્હી- ભારત સરકારે ચંદ્રયાન-2ના લોન્ચિંગ  પહેલા ઈસરોના વૈજ્ઞાનિકોના પગારમાં કાપ મુક્યો હતો. કેન્દ્ર સરકારે 12 જૂન 2019ના રોજ જાહેર કરેલા એક આદેશમાં કહ્યું કે, ઈસરો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને વર્ષ 1996થી બે અતિરિક્ત વેતન વૃદ્ધિના રૂપમાં ચૂકવાતી પ્રોત્સાહન અનુદાન રકમને બંધ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિ ત્યારે સામે આવી છે જ્યારે ઈસરોના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધી પર સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે.

હવે આ મુદ્દે ઈસરો વૈજ્ઞાનિકોના સંગઠને સ્પેસ એન્જિનિયર્સ એસોસિએશન (SEA)એ ઈસરોના ચેરમેન ડો. કે. સિવનને પત્ર લખીને માંગ કરી છે કે, તે ઈસર વૈજ્ઞાનિકોના પગારમાં કાપ મુકવાના કેન્દ્ર સરકારના આદેશને રદ્દ કરવામાં મદદ કરે. કારણ કે વૈજ્ઞાનિકો પાસે પગાર ઉપરાંત આવક મેળવવાનો અન્ય કોઈ રસ્તો નથી હોતો. SEAના અધ્યક્ષ એ. મણિરમને ઈસરો ચીફને લખેલા પત્રમાં કહ્યું છે કે, સરકારી કર્મચારીના પગારમાં કોઈ પણ પ્રકારનો કાપ ત્યાં સુધી ન મુકવામાં આવે જ્યાં સુધી તે એકદમ ગંભીર સ્થિતિમાં ન હોય. પગારમાં ઘટાડો થવાથી વૈજ્ઞાનિકોના ઉત્સાહમાં ઘટાડો થશે. અમે વૈજ્ઞાનિકો કેન્દ્ર સરકારના નિર્ણયથી અત્યંત આશ્ચર્યમાં છીએ અને દુ:ખી પણ…

 

 

SEAએ ઈસરો ચીફને લખેલા પત્રમાં આ કરી માગ

ઈસરોના વૈજ્ઞાનિકો માટે બે વધારાના વેતન વૃદ્ધિની મંજૂરી રાષ્ટ્રપતિએ આપી હતી. જેથી દેશમાં વર્તમાન ઉચ્ચ ટેલેન્ટ્સને ઈસરોના વૈજ્ઞાનિક બનવાનું પ્રોત્સાહન મળે. આ વધારાની વેતન વૃદ્ધિ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 1996માં અંતરિક્ષ વિભાગે લાગૂ કરી હતી. સુપ્રીમના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, આ વેતન વૃદ્ધિને સ્પષ્ટ રીતે પગાર જ માનવામા આવે.

છઠ્ઠા પગાર પંચમાં પણ આ વેતન વૃદ્ધિને યથાવત રાખવાની ભલામણ કરવામાં આવી હતી. સાથે જ કહેવામાં આવ્યું હતું કે, આ લાભ ઈસરો વૈજ્ઞાનિકોને મળતો રહેવો જોઈએ.

બે વધારાની વેતન વૃદ્ધિ એટલામાં માટે લાગૂ કરવામાં આવી હતી જેથી ઈસરોમાં આવનાર યુવા વૈજ્ઞાનિકોને નિયુક્તિના સમયે જ પ્રેરણા મળી શકે અને તેઓ ઈસરોમાં લાંબા સમય સુધી કામ કરી શકે.

કેન્દ્ર સરકારના આદેશમાં પરફોર્મન્સ રિલેટેડ ઈન્સેન્ટિવ સ્કિમ (PRIS)નો ઉલ્લેખ છે. અમે એ દર્શાવવા માંગીએ છીએ કે, વધારાની વેતન વૃદ્ધિ અને PRIS બંન્ને એકબીજાથી સંપૂર્ણ રીતે અલગ છે. એક ઈન્સેન્ટિવ છે, જ્યારે બીજો પગાર છે.

કેન્દ્ર સરકારના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, 1 જુલાઈ 2019થી આ પ્રોત્સાહન રકમ બંધ થઈ જશે. આ આદેશ પછી D,E,F અને G શ્રેણીના વૈજ્ઞાનિકોને આ પ્રોત્સાહન રકમ હવે નહી મળે. ઈસરોમાં અંદાજે 16 હજાર વૈજ્ઞાનિક અને એન્જીનિયર છે. પરંતુ આ સરકારી આદેશથી ઈસરોના અંદાજે 85થી 90 ટકા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને સેલેરીમાં 8થી 10 હજાર રૂપિયાનું નુકસાન થશે. કારણ કે મોટાભાગના વૈજ્ઞાનિકો આ જ શ્રેણીમાં આવે છે. જેને લઈને ઈસરો વૈજ્ઞાનિકો નારાજ છે.

ઉલ્લેખનીય છે કે, ઈસરોમાં કોઈ પણ વૈજ્ઞાનિકની ભરતી C શ્રેણીથી શરુ થાય છે. ત્યાર બાદ તેમનું પ્રમોશન D,E,F,G અને આગળની શ્રેણીઓમાં થાય છે. દરેક શ્રેણીમાં પ્રમોશન પહેલા એક ટેસ્ટ લેવામાં આવે છે, આ ટેસ્ટ પાસ કરનાર વૈજ્ઞાનિકને જ પ્રોત્સાહન અનુદાન રાશિ મળે છે. પરંતુ હવે જ્યારે જુલાઈ મહિનાનો પગાર ઓગસ્ટમાં આવશે ત્યારે વૈજ્ઞાનિકોને તેનમા પગારમાં કપાત જોવા મળશે.