નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે ભાજપમાં ટિકિટ મેળવવા પડાપડી થઈ રહી છે અને પાર્ટીના કેટલાય સિનિયર નેતાઓની ટિકિટો પણ કપાઈ રહી છે, બીજી બાજુ કોંગ્રેસમાં કોંગ્રેસપ્રમુખ સહિત સિનિયર નેતાઓ ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ વખતે ચૂંટણી ના લડે એવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મધ્ય પ્રદેશમાં દિગ્વિજય સિંહ અને કમલનાથે ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે અને દક્ષિણમાં પી. ચિદંબરમ પણ રાજ્યસભાને રસ્તે સંસદમાં પહોંચવા ઇચ્છે છે. અશોક ગહેલોત પણ દિલ્હી પહોંચવા માટે ઉત્સુક નથી. કોંગ્રેસની સામે હાલ લોકસભા ચૂંટણીમાં મજબૂત ઉમેદવારો ઊભા કરવા એક પડકાર છે. હિન્દી પટ્ટામાં ભાજપ અને સંઘનો સામનો કરવા કોંગ્રેસ માટે એક મોટો પડકાર છે. દરેક ચૂંટણીમાં પાર્ટીના કેડર મતો ઘટતા જઈ રહ્યા છે.
હિન્દી પટ્ટામાં ભાજપની તાકાત અને સંઘની સંગઠનની ક્ષમતાને જોતાં કોંગ્રેસના સિનિયર નેતા પણ પરેશાન છે. ચૂંટણી પૂર્વેના આંતરિક સર્વેમાં ભાજપ મજબૂત હોવાનું માલૂમ પડી રહ્યું છે. જેથી સિનિયર નેતાઓ શરમ અને ચૂંટણીની મહેનત-બંનેથી બચવા ઇચ્છે છે.
ગુજરાત કોંગ્રેસે માની લીધી હાર?
ગુજરાતમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા જ હાર માની લીધી હોય એવો માહોલ છે. ગુજરાતમાં જે સિનિયર નેતાઓને લોકસભા ચૂંટણી માટે ઓફર થઈ રહી છે, તે તમામ નેતાઓએ લોકસભા લડવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આ લિસ્ટમાં ગુજરાત કોંગ્રેસના 10થી 12 સીનિયર નેતાઓનાં નામ સામેલ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
હાલમાં જ સિનિયર નેતા જગદીશ ઠાકોર બાદ બીજા એક સિનિયર નેતા ભરતસિંહએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. આ ઉપરાંત સિનિયર નેતાઓમાં બળદેવજી ઠાકોરે, ઇન્દ્રવિજયસિંહ, હિંમતસિંહ પટેલ, ઋત્વિજ મકવાણા, શૈલેશ પરમારે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. આ લિસ્ટમાં જિજ્ઞેશ મેવાણીએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઈંકાર કર્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.