નવી દિલ્હી– લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા પછી હવે ભાજપ મિશન રાજ્યસભા તરફ આગળ વધી રહ્યું છે. ભાજપ અને એનડીએ લોકસભા બાદ જો રાજ્યસભામાં પણ બહુમત હાંસલ કરે તો, સરકારને મહત્વપૂર્ણ બિલ પસાર કરવા અને પોતાની નીતિઓને આગળ વધારવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. મે 2019થી લઈને નવેમ્બર 2020 સુધીમાં રાજ્યસભાની 75 બેઠકોની ચૂંટણી થશે. નવેમ્બર 2020 સુધીમાં એનડીએ ને રાજ્યસભામાં ઉત્તરપ્રદેશ, બિહાર, તમિલનાડુ, ગુજરાત અને મધ્યપ્રદેશની મદદથી વધુ 19 સીટો મળી જશે.
આ સીટો મેળવ્યા પછી એનડીએની રાજ્યસભામાં કુલ સીટોની સંખ્યા 125 થઈ જશે. આ આંકડો અડધી 123 સીટોના આંકડાને પાર કરી જશે. એજ રીતે છેલ્લા 15 વર્ષમાં આ પ્રથમ તક હશે જ્યારે પ્રથમ સરકાર રાજ્યસભામાં બહુમતનો આંકડો પ્રાપ્ત કરી લેશે. ગત વર્ષે ભાજપે રાજ્યસભાના ઈતિહાસમાં સંખ્યાના મામલે કોંગ્રેસને પાછળ છોડી હતી. એનડીએની સીટોની સંખ્યા 245 સીટોની સંખ્યા ધરાવતી સંસદમાં 101 થઈ ગઈ હતી. આ ઉપરાંત પાર્ટી પાસે ત્રણ નામાંકિત સભ્યો સ્વપ્ન દાસ ગુપ્તા, મેરી કોમ અને નરેન્દ્ર જાદવનું પણ સમર્થન પ્રાપ્ત થયું હતું.
યૂપીએ સરકાર તરફથી નામાંકિત સભ્ય કેટીએસ તુલસી આગામી વર્ષની શરુઆતમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. આ સ્થિતિમાં એનડીએને વધુ એક સભ્યને નામાંકિત કરવાની તક મળશે.
ભાજપને ઉત્તર પ્રદેશથી સૌથી વધુ સીટો મળવાની આશા છે. અહીં પાર્ટી પાસે 403 સભ્યો ધરાવતી વિધાનસભામાં 310 વિધાયકો છે. આ ઉપરાંત તમિલનાડુમાંથી પણ 6 બેઠકો મળશે, જ્યાં તેમની સહયોગી પાર્ટી એઆઈડીએમકે સત્તામાં છે. પાર્ટીને અસમ અને રાજસ્થાનમાંથી 2 અને લગભગ ઓડિશામાંથી 1 સીટ મળી શકે છે. પાર્ટીને કર્ણાટક,મિઝોરમ,મેઘાલય,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડથી પણ એક એક સીટ મળી શકે છે.