મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આજે કહ્યું કે, રાજ્યમાં આવતી 1 જૂનથી લોકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવાનું યોગ્ય નહીં કહેવાય એવું આજે પ્રધાનમંડળની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના જે જિલ્લાઓમાં કોરોનાવાઈરસના બહુ ઓછા કેસ થયા છે ત્યાં નિયંત્રણોમાં છૂટછાટ આપવાનું સરકાર પસંદ કરશે. આ છૂટછાટ કેવા પ્રકારની હશે એ વિશે ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કરીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આખરી નિર્ણય લેશે.
ટોપેએ કહ્યું કે, રાજ્યમાં કોવિડ-19નો વૃદ્ધિદર ધીમે ધીમે ઘટી રહ્યો છે તે છતાં 10-15 જિલ્લાઓમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વળી, મ્યૂકોર્માઈકોસીસ (બ્લેક ફંગસ) ચેપી બીમારીનું જોખમ પણ છે. તેથી આપણે વધારે સતર્ક રહેવાનું છે. 1 જૂન પછી લોકડાઉનને લંબાવવા અને ત્યારબાદ ધીમે ધીમે નિયંત્રણો ઘટાડવા એ વિશે પ્રધાનમંડળની બેઠકમાં ચર્ચા થઈ હતી.