રેશનકાર્ડને આધાર સાથે લિંક કરાતાં રુ.17,500 કરોડની બચત થઈ

નવી દિલ્હી– રેશન કાર્ડનું ડિજિટલાઇઝેશન કરવાથી અને તેને આધાર નંબર સાથે લિંક કરવાથી સરકારને અંદાજે 2.75 કરોડ ડુપ્લિકેટ અને બોગસ રેશનકાર્ડ પકડવામાં મદદ મળી છે. આ રેશનકાર્ડનો ઉપયોગ સબસિડીવાળી ખાદ્ય સામગ્રી મેળવવા માટે કરવામાં આવતો હતો. અન્ન મંત્રાલયના અધિકારીઓના કહેવા પ્રમાણે રેશનકાર્ડના ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા જાન્યુઆરી 2013થી શરૂ થઈ છે, અને છેલ્લાં ચાર વર્ષમાં તે ઝડપી થયું છે.અન્ન અને ગ્રાહકોની બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું છે અમે વાર્ષિક રુ.17,500 કરોડની સબસિડીવાળા ઘઉ, ચોખા અને અનાજ આપવાની ગરબડી પકડી પાડી છે. જો કે તે પ્રત્યક્ષ બચત નથી. પણ તેમાં જરૂરિયાતમંદ લોકોની સંખ્યા વધી ગઈ છે. હવે કહી શકાય કે ખરેખર જરૂરિયાતવાળાઓને તેનો લાભ મળી રહ્યો છે.

સરકારી આંકડા જોઈએ તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અનુસાર લોકોને 23.19 કરોડ રેશનકાર્ડ ઈસ્યૂ કરાયા છે. રેશનકાર્ડનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું અને તેને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા 82 ટકા પુરી ગઈ છે, જેમ જેમ કામ આગળ વધશે, તેમ તેમ બોગસ કાર્ડ સીસ્ટમથી બહાર જતાં રહેશે.

અન્ન મંત્રાલયના કહેવા પ્રમાણે આંકડા એવું કહે છે કે રદ કરેલા રેશનકાર્ડમાં 50 ટકા ઉત્તરપ્રદેશ અને પશ્વિમ બંગાલથી મળ્યાં છે. તદઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાના, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ખૂબ મોટી સંખ્યામાંથી બોગસ રેશન કાર્ડ રદ થયાં છે.