પત્નીના હત્યારા ભૂતપૂર્વ ટીવી સિરિયલ નિર્માતા સુહૈબ ઈલ્યાસીને આજીવન કેદ

નવી દિલ્હી – 17 વર્ષ પહેલાં પત્ની અંજુની હત્યા કરવા બદલ ભૂતપૂર્વ ટીવી સિરિયલ નિર્માતા સુહૈબ ઈલ્યાસીને અહીંની એક કોર્ટે આજે આજીવન કેદની સજા ફટકારી છે.

ઈલ્યાસીને ફાંસીની સજા ફરમાવવાની માગણીને કોર્ટે એમ કહીને નકારી કાઢી હતી કે આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેટેગરીમાં આવતો નથી.

એડિશનલ સેશન્સ જજ એસ.કે. મલ્હોત્રાએ ઈલ્યાસીને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પત્નીની ચાકુ મારીને હત્યા કરવા બદલ કોર્ટે ઈલ્યાસીને ગઈ 16 ડિસેમ્બરે અપરાધી જાહેર કર્યો હતો.

કોર્ટે ઈલ્યાસીને એવો આદેશ પણ આપ્યો છે કે એણે અંજુનાં માતા-પિતાને વળતર પેટે રૂ. 10 લાખ ચૂકવવા.

ઈલ્યાસીને તિહાર જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. એણે બૂમો પાડી હતી કે પોતે નિર્દોષ છે અને એને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા અન્યાય છે.

સજા માટેની દલીલબાજી વખતે ફરિયાદી પક્ષે ઈલ્યાસીને ફાંસીની સજા કરવા માટે એવી દલીલ કરી હતી કે એણે એની પત્નીને પીડાદાયક મૃત્યુ આપ્યું હતું. ઈલ્યાસી એની પત્નીનાં રક્ષક બનવાને બદલે એનો હત્યારો બન્યો છે એટલે આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં ગણવો જોઈએ.

ઈલ્યાસીના વકીલે એવી દલીલ કરી હતી કે ઈલ્યાસીએ 18 વર્ષથી આ કેસના મુકદ્દમાનો સામનો કર્યો છે અને ત્રણ મહિનાથી કસ્ટડીમાં છે એટલે એને સજા કરવામાં કોર્ટે દયા દાખવવી જોઈએ. વળી, ઈલ્યાસીએ જામીનની શરતોનો ક્યારેય ભંગ કર્યો નહોતો અને ભૂતકાળમાં એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી.

ઈલ્યાસીને ભારતીય ફોજદારી ધારા (આઈપીસી)ની 302 કલમ હેઠળ અપરાધી જાહેર કરાયો છે. આ કલમ અંતર્ગત અપરાધીને ફાંસી અથવા આજીવન કેદ થાય છે.

ઈલ્યાસી પર અગાઉ હળવી સજાવાળી કલમ 304-બી (દહેજ માટે મૃત્યુ) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. પણ અંજુનાં માતા રુકમા સિંહ અને બહેન રશ્મી સિંહે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે ઈલ્યાસી પર હત્યા માટે 302મી કલમ લગાડવામાં આવે.

અંજુની હત્યા 2000માં કરવામાં આવી હતી. એને 2000ની 11 જાન્યુઆરીએ પૂર્વ દિલ્હી સ્થિત એનાં નિવાસસ્થાને છરા ભોંકના જખમો સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

સુહૈબ, જે ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ નામના ટીવી ક્રાઈમ શૉના સંચાલનને કારણે જાણીતો થયો હતો, એની 2000ની 28 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. અંજુની માતા અને બહેને એવો આરોપ મૂક્યો હતો કે ઈલ્યાસી દહેજ માટે અંજુને ત્રાસ આપતો હતો.