સેનાએ 14 વર્ષમાં 4633 આતંકીઓનો સફાયો કર્યો: ગૃહ મંત્રાલય

નવી દિલ્હી- કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ જમ્મુ-કશ્મીરમાં આ વર્ષે સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત 14 ડિસેમ્બર 2017 સુધીમાં 206 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. તો 14 ડિસેમ્બર સુધીમાં સેનાના 75 જવાનો ઓપરેશન ઓલ આઉટની જવાબદારીમાં શહીદ થયાં છે. આ ઉપરાંત 337 જવાનો અન્ય આતંકી ઘટનાઓમાં શહીદ થયાં છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ આહીરે લેખિત જવાબમાં જણાવ્યું છે કે, વર્ષ 2004થી વર્ષ 2017માં અત્યાર સુધીમાં કુલ 4633 આતંકીઓનો સેનાના જવાનોએ સફાયો કર્યો છે. અને હજી પણ આતંકવાદનો સફાયો કરવા સેના સતત તેનું કાર્ય કરી રહી છે. ગત વર્ષ 2016માં 322 આતંકી ઘટનાઓમાં સેનાના 82 જવાન શહીદ થયાં હતાં. જ્યારે જવાનોએ 150 આતંકીઓને ઠાર કર્યાં હતાં.

છેલ્લાં 14 વર્ષોમાં સૌથી વધુ આતંકી ઘટનાઓ વર્ષ 2004માં નોંધાઈ હતી. વર્ષ 2004માં કુલ 2565 આતંકી ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં સેનાનાં 281 જવાન શહીદ થયાં હતાં. જેની સામે જવાનોએ 976 આતંકીઓને ઠાર કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, કશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાના જવાનોએ જે રીતે મોરચો સંભાળ્યો છે તેના લીધે સરહદ પારથી પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI અને પાકિસ્તાની આર્મીનું મનોબળ નિશ્ચિત પણે ઓછું થયું છે. મળતી માહિતી મુજબ નવેમ્બર-2017માં હાફિઝ સઈદના નજર કેદમાંથી છુટ્યા બાદ પાકિસ્તાની જાસુસી સંસ્થા અને પાકિસ્તાની આર્મી ભારતમાં મોટી સંખ્યામાં આતંકીઓ ઘુસાડવા પ્રયાસ કરી રહી છે. જેના માટે તેણે વિવિધ આતંકી સંગઠનો સાથે ચર્ચા કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.