CM કેજરીવાલના આરોગ્યને લઈને ચિંતામાં LG, લખ્યો પત્ર

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એક વાર CM કેજરીવાલની સરકાર અને લેફ્ટેનન્ટની વચ્ચે તલવારો ખેંચાઈ છે. ઉપ રાજ્યપાલ વીકે સકસેનાએ દિલ્હીના મુખ્ય સચિવ નરેશકુમારને પત્ર લખ્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેજરીવાલ જેલમાં ડાયટનું પાલન નથી કરી રહ્યા અને ના તો દવાઓ લઈ રહ્યા છે. આપ પાર્ટીએ કહ્યું હતું કે જો LGને બીમારી વિશે ખબર ના હોય તો તેમણે આવો પત્ર ના લખવો જોઈએ.

લેફ્ટનન્ટ વીકે સક્સેનાએ પત્રમાં CM અરવિંદ કેજરીવાલની તબિયત નાદુરસ્ત હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લઈ રહ્યા છે. કેલરી ઓછી હોવાને કારણે તેમનું વજન ઘટી રહ્યું છે. કેજરીવાલ યોગ્ય આહાર નથી લઈ રહ્યા. 6 જૂનથી 13 જુલાઈ વચ્ચે યોગ્ય આહાર લેવામાં આવ્યો ન હતો. કેજરીવાલ ડાયટ ચાર્ટને અનુસરતા નથી.

આ પત્રમાં જેલ અધિક્ષકના અહેવાલને ટાંકીને લખવામાં આવ્યું છે કે LGએ ડોક્ટર દ્વારા સૂચવવામાં આવા તબીબી આહાર અને દવાઓનું સેવન ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

LG ઓફિસ દ્વારા લખવામાં આવેલા પત્ર અંગે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે LG સાહેબ તમે શું મજાક કરી રહ્યા છો? શું કોઈ માણસ રાત્રે સુગર ઘટાડશે?  જે ખૂબ જ જોખમી છે. LG સાહેબ, જો તમને રોગ વિશે ખબર ન હોય તો તમારે આવો પત્ર ન લખવો જોઈએ. ભગવાન ના કરે કે તમારા પર ક્યારેય એવો સમય આવે.

બીજી તરફ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું હતું કે ભાજપ CM અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યો છે. CM અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ આઠ કરતા વધુ વખત 50થી નીચે ગગડ્યું. તેઓ કોમામાં જઈ શકે છે. આવી સ્થિતિમાં બ્રેઇન સ્ટ્રોકનો ખતરો પણ રહે છે.