નવી દિલ્હીઃ ટુરિઝમ મંત્રાલય દેશ-વિદેશના પર્યટકો માટે વધુ સારી સુવિધા આપવા માટે પ્રયાસરત છે. મંત્રાલયે પર્યટકો માટે 12 ભાષાઓમાં ટોલ-ફ્રી હેલ્પલાઇન શરૂ કરી છે. એમાં 10 વિદેશી ભાષાઓ પણ સામેલ છે, જેથી વિદેશી પ્રવાસીઓની મદદ કરી શકાય. આ હેલ્પલાઇન દ્વારા પ્રવાસીઓ પર્યટન ક્ષેત્રની માહિતી મેળવી શકે છે. આ હેલ્પલાઇન દ્વારા રૂટ માલૂમ કરી શકવા ઉપરાંત કોઈ પણ પ્રકારની મુશ્કેલી, સુરક્ષાને લઈને ફરિયાદ અથવા સૂચના આપી શકે છે.
દેશ-વિદેશના પ્રવાસીઓની સુરક્ષા અને સારી સેવા આપવા માટે મંત્રાલય કામ કરી રહ્યું છે, એમ પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું. પર્યટકોને સુરક્ષિત અને સલામત વાતાવરણ આપવા માટે 10 આંતરરાષ્ટ્રીય ભાષાઓ સહિત 12 ભાષાઓમાં 24X7 પર્યટક સૂચના-હેલ્પલાઇન સ્થાપિત કરી છે. જો કોઈ પર્યટકની સાથે કોઈ અપ્રિય ઘટના બને તો સ્થિતિને સંભાળવા માટે કાનૂન વ્યવસ્થાની મજબૂત પ્રણાલી અને પ્રભાવિત પર્યટકોને સંતોષજનક સમાધાન આપવા માટે પગલાં લેવામાં આવ્યાં છે.
પર્યટન મંત્રાલયે ટોલ ફ્રી નંબર 1800111363 પર અથવા શોર્ટ કોડ 1363 પર 10 આંતરરાષ્ટ્રીય ભાષાઓ (જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ, ઇટાલવી, પોર્ટુગલ, રશિયા, ચીની, જાપાની, કોરિયન અને અરબી વગેરે) સહિત હિન્દી અને અંગ્રેજી મળીને 12 ભાષાઓમાં એક 24X7 બહુભાષી પર્યટક સૂચના-હેલ્પલાઇન સ્થાપિત કરી છે, જેથી ઘરેલુ ને વિદેશી પર્યટકો માટે ભારતમાં યાત્રા સંબંધિત મદદ કરી શકાય અને તેમને ભારતમાં યાત્રા વખતે ઉચિત માર્ગદર્શન આપી શકાય.
(પ્રતિકાત્મક તસવીર)મંત્રાલયના પ્રયાસોથી આંધ્ર પ્રદેશ, દિલ્હી, ગોવા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારોએ કોઈને કોઈ સ્વરૂપે પર્યટક પોલીસ તહેનાત કરી છે.