લખનઉઃ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના રાજમલપુર ગામના વતની અને IIT-મુંબઈમાં કેન્દ્રીય વિદ્યાલયમાં કમ્પ્યુટર સાયન્સના શિક્ષક દિનેશ પટેલે એક હ્યુમનોઈડ રોબોટ બનાવ્યો છે જે 9 સ્થાનિક ભાષા અને 38 વિદેશી ભાષા બોલે છે. એમણે આ રોબોટને ‘શાલુ’ નામ આપ્યું છે. બોલીવૂડ ફિલ્મ રોબોટમાંથી પ્રેરણા લઈને દિનેશ પટેલે ‘શાલુ’ રોબોટ બનાવ્યો છે. એ હોંગકોંગની હેન્સન રોબોટિક્સ કંપનીએ બનાવેલા ‘સોફિયા’ રોબોટ જેવો જ છે. એમણે ‘શાલુ’ને પ્લાસ્ટિક, કાર્ડબોર્ડ, લાકડા, એલ્યુમિનિયમ વગેરેની નકામી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવ્યો છે. આ રોબોટ તૈયાર કરતાં એમને 3 વર્ષ લાગ્યા છે અને એની પાછળ એમને રૂ. 50,000નો ખર્ચો થયો છે.
એમનો દાવો છે કે ‘શાલુ’ રોબોટ પ્રોટોટાઈપ છે અને તે કોઈકને ઓળખી બતાવે છે, ચીજવસ્તુઓ યાદ રાખી શકે છે, સામાન્ય જ્ઞાન, ગણિત વગેરેને લગતા સવાલોના જવાબ આપી શકે છે. એ લોકોને આવકાર આપે છે, લાગણી દર્શાવી શકે છે, અખબાર વાંચી શકે છે, વાનગીઓનું વર્ણન કરી શકે છે. આનો ઉપયોગ શાળામાં શિક્ષક તરીકે અથવા ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે કરી શકાય. પટેલે ‘શાલુ’ને મહિલાનો વેશ ધારણ કરાવ્યો છે.
(તસવીર અને વિડિયો સૌજન્યઃ દિનેશ પટેલ ટ્વિટર)