નવી દિલ્હીઃ વારિસ પંજાબ ડે પ્રમુખ અમૃતપાલ સિંહ પંજાબની ખડૂર લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. અમૃતપાલ સિંહ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. અમૃતપાલ સિંહના કાનૂની સલાહકાર રાજદેવ સિંહ ખાલસાએ પુષ્ટિ કરી હતી કે અમૃતપાલ સિંહ ખડૂર સાહિબ સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. સૂત્રોના જણાવ્યાનુસાર મુખ્ય ધારાની એક પાર્ટી અમૃતપાલ સિંહને બહારથી સમર્થન આપવા પર વિચાર કરી રહી છે.
ફેબ્રુઆરી, 2023માં અમૃતપાલ સિંહ અને તેના સાથીઓએ પંજાબના અજનાલામાં હથિયારોથી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. અમૃતપાલ સિંહના સમર્થકોએ અપહરણ અને રમખાણોના આરોપીઓમાંના એક તૂફાનને છોડવવા માટે પોલીસ સ્ટેશન પર એ હુમલો કર્યો હતો. એ દરમ્યાન છ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. અમૃતપાલ સિંહની વિરુદ્ધ એક ભૂતપૂર્વ સહયોગીએ ફરિયાદ દાખલ કરી હતી. આરોપ હતો કે આ બધાએ બરિંદર સિંહ નામની વ્યક્તિનું અજનાલાથી અપહરણ કર્યું હતું અને પછી મારપીટ કરી હતી.
અમૃતપાલ સિંહનો જન્મ અમૃતસરના જલ્લુપુર ખેડા ગામમાં 1993માં થયો હતો. એ માત્ર 12મું ધોરણ પાસ છે. ત્યાર બાદ તે અચાનક દુબઈ ચાલ્યો ગયો હતો. ત્યાં તે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયો હતો. પંજાબી એક્ટર અને એક્ટિવિસ્ટ દીપ સિદ્ધુએ 30 સપ્ટેમ્બર, 2021માં વારિસ પંજાબ દે સંગઠનની સ્થાપના કરી હતી. દીપ સિદ્ધુએ એનો હેતુ યુવાઓને શીખ પંથના રસ્તે લાવવાનો અને પંજાબને જગાડવાનો જણાવ્યો હતો.
માર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમૃતપાલ હવે વારિસ પંજાબ સંગઠનનો નવો સર્વેસર્વા છે. એ 29 સપ્ટેમ્બર, 2022એ અમૃતપાલની મોગાના રોડે ગામમાં અટકાયત થઈ હતી. ત્યાર બાદ અમૃતપાલ સીધો સરકાર અને સિસ્ટમને ચેલેન્જ કરવામાં લાગ્યો હતો.