કાસગંજ હિંસા: યોગી સરકાર ‘એક્શન મોડ’માં, ઘટના અંગે માગ્યો રિપોર્ટ

લખનઉ- કેન્દ્રીય ગૃહમંત્રાલયે ઉત્તરપ્રદેશ સરકાર પાસે કાસગંજ હિંસાને લઈને વિગતવાર રિપોર્ટ માગ્યો છે. ગૃહમંત્રાલય દ્વારા ઉત્તરપ્રદેશ સરકારને પુછવામાં આવ્યું છે કે, આટલા મોટાપાયે હિંસા ફેલાવાનું કારણ શું છે? સમય પર તેને રોકવામાં કેમ ન આવી?મહત્વનું છે કે, પ્રજાસત્તાક દિવસના અવસરે ત્રિરંગા યાત્રા દરમિયાન કાસગંજમાં હિંસા ફાટી નિકળી હતી. આ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ઘટના અંગે યોગી સરકાર પાસે જવાબ માગ્યો છે.

બજેટ સત્ર ચાલી રહ્યું હોવાથી કેન્દ્ર સરકારને આશંકા છે કે, વિપક્ષ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવા પ્રયાસ કરી શકે છે. જેથી કેન્દ્ર સરકાર આ મુદ્દે કોઈ કચાશ રાખવા ઈચ્છતી નથી. કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ બન્નેમાં ભાજપની સરકાર છે. જેથી વિપક્ષ આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે સંબંધિત ઘટના અંગે જવાબ માગે તે સ્વાભાવિક છે.

કાસગંજ હિંસા બાદ રાજ્યની યોગી સરકારે ત્યાંના એસપી સુનિલ સિંહની ટ્રાન્સફર કરી દીધી છે. તેમની જગ્યાએ પિયૂષકુમાર શ્રીવાસ્તવને કાસગંજના નવા એસપી નિયુક્ત કરવામાં આવ્યા છે. કાસગંજના ડીએમ આરપી સિંહે એક ટીવી ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શરુઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, હિંસામાં માર્યા ગયેલા ચંદન ગુપ્તાને જે ગોળી વાગી હતી તે છત ઉપરથી ચલાવવામાં આવી હતી. આ ઘર મુસ્લિમ પરિવારનું હોવાનું જાણવા મળ્યું છે.

26 જાન્યુઆરીના રોજ કાસગંજમાં થયેલી હિંસાના સંદર્ભમાં અત્યાય સુધી 112 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, સ્થિતિ ધીરેધીરે સામાન્ય થઈ રહી છે. જેથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. અને ઈન્ટનેટ સેવા પણ યથાવત કરવામાં આવી છે.